બ્રિટનમાં ભણતર પૂર્ણ કર્યા પછી આપવામાં આવતા વર્ક વિઝાની ચાલી રહેલી સમીક્ષા તથા સરકારી અનુદાનિત સ્કોલરશીપ પર પરિવારજનોને બોલાવવા પર પ્રતિબંધ મૂકાવવાની વચ્ચે બ્રિટનની યુનિર્વસિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટી રહ્યું છે. તાજેતરમાં જારી કરાયેલા આંકડા અનુસાર બ્રિટનની યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓના એડમિશનનું પ્રમાણ ચાર ટકા ઘટયું છે. યુનિવર્સિટીઝ એન્ડ કોલેજીસ એડમિશન સર્વિસ (યુસીએએસ)નાં આંકડા દર્શાવે છે કે, સ્નાતક અભ્યાસક્રમોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 0.7 ટકાનો વધારો થયો છે.
જોકે નાઇજિરિયા અને ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓ 4 ટકા ઘટીને 8770 થઇ જ્યારે નાઇજિરિયાના વિદ્યાર્થીઓની સંખ્યા 46 ટકા ઘટીને 1590 થઇ છે. યુસીએએસના આંકડા અનુસાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે બ્રિટનનું ઉચ્ચ શિક્ષણ આકર્ષક રહ્યું છે. સ્નાતક અભ્યાસક્રમોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 0.7 ટકાનો વધારો થયો છે. ચીનના વિદ્યાર્થીઓની સંખ્યામાં 910 (3 ટકા) , તુર્કીના 710 (37 ટકા), કેનેડા 340 (14 ટકા)નો વધારો થયો છે. નાઇજિરિયાના વિદ્યાર્થીઓની સંખ્યામાં 46 ટકા અને ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 4 ટકાનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે, બ્રિટનના ગૃહ વિભાગે ભણતર પછી અપાતા વર્ક વિઝાની સમીક્ષા કરવા માટે સ્વતંત્ર માઇગ્રેશન એડવાઇઝરી કમિટી (એમએસી)ની રચના કરી છે.



