નાગરિકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે સુરત શહેર પોલીસ વ્યાજખોરો વિરૂધ્ધ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાનમાં વ્યાજખોરો દ્વારા પડાવી લેવામાં આવેલી મિલકતો, કાર, દાગીના મૂળ માલિકોને પરત આપવાના ઉમદા હેતુ સાથે સુરત પોલીસ દ્વારા આયોજિત ‘તેરા તુઝ કો અર્પણ’ કાર્યક્રમ યોજ્યો હતો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરતના વ્યાજખોરોએ પચાવી પાડેલી ૨૨ પીડિતોની મિલ્કતના કાગળો, દાગીના અને ગાડીઓ આ મૂળ માલિકોને પરત કરવામાં આવી હતી.
સિટી લાઈટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે આયોજિત કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગરીબ, મધ્યમવર્ગીય પરિવારોને વ્યાજખોરો આતંક-ત્રાસથી બચાવવાના અભિયાનની શરૂઆત ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે. નાની મોટી તકલીફોમાં સગા-સંબંધીઓ પાસેથી મદદ લેવાની વર્ષો જૂની પરંપરા રહી છે. પરંતુ આ માનવતાના સંબંધને લાંછન લગાડી વ્યાજખોર દાનવોએ ગરીબ, મધ્યમવર્ગીય લોકો વિશ્વાસઘાત કર્યો છે. વ્યાજખોરોના દૂષણને ડામવાનું કાર્ય કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. વ્યાજના વિષચક્રમાંથી મુક્તિ અપાવવા માટે લોનમેળા તેમજ લોકદરબાર યોજવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, વ્યાજના દૂષણમાં ક્યારેય ફસાવ ત્યારે ડર્યા વગર સૌથી પહેલા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરજો.
સુરત શહેરમાં ભાઈગીરીને કોઈ સ્થાન નથી, ‘ભાઈ’ને લાજપોર જેલ સુધી પહોંચાડવાની જવાબદારી સુરત પોલીસની છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, ડ્રગ્સ સામે ચાલી રહેલી લડાઈમાં ડ્રગ્સ માફિયાઓ પાસે બે રસ્તાઓ જ છે; ‘ગુજરાતમાં રહેવા માટે સીધા રસ્તે ચાલવું પડશે નહી તો ગુજરાતને છોડવું પડશે’. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, સુરત શહેર પોલીસના વ્યાજખરી સામેના અભિયાનમાં છેલ્લા એક મહિનામાં વિવિધ પોલીસ સ્ટેશનમાં ૧૨૦ અરજીઓ મળી હતી, જેમાંથી ૯૦ આરોપી સામે એફ.આઈ.આર. પણ દાખલ કરવામાં આવી છે.
