પંજાબનાં હોશિયારપુરમાં એક ભયંકર અકસ્માત થયો હતો. દસુહા હાજીપુર રોડ પર સાગરા બસ સ્ટેન્ડ પાસે મુસાફરોથી ભરેલી બસ કાબુ બહાર જઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોનાં મોતની આશંકા છે અને અનેક મુસાફરો ઘાયલ થયા છે. અકસ્માતના સમાચાર મળતા જ લોકો, પોલીસ, વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અને સ્થાનિકોએ સાથે મળીને બચાવ કાર્ય શરૂ કર્યું. ક્રેનની મદદથી બસને સીધી કરવામાં આવી અને તેની નીચે દટાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ઘાયલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસ ખૂબ જ સ્પીડમાં જઈ રહી હતી અને અચાનક સામેથી આવતી કાર સાથે અથડાઈ ગઈ, જેના કારણે બસ પલટી ગઈ. અકસ્માત એટલો ભયંકર હતો કે બસ પલટી ખાતા જ ઘટનાસ્થળે હાજર લોકોની ચીસ પડી ગઈ. સ્થાનિક લોકોએ કોઈ પણ વિલંબ કર્યા વિના બચાવ કાર્ય શરૂ કર્યું અને પોલીસને જાણ કરી. આસપાસના લોકોની મદદથી પોલીસ ટીમે ઘાયલ મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા. ઘણા ઘાયલોની હાલત હજુ પણ ગંભીર છે અને તેમને વધુ સારી સારવાર માટે ઉચ્ચ કેન્દ્રમાં રિફર કરવામાં આવ્યા છે. તેમજ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રારંભિક તપાસમાં, વધુ પડતી સ્પીડ અને ડ્રાઇવરની બેદરકારીને અકસ્માત કારણ માનવામાં આવી રહ્યું છે. તે એક મીની બસ હતી, જે ખાનગી કંપનીની બસ હોવાનું કહેવાય છે.
