મુંબઈ આર્થિક રાજધાની છે, જ્યાં સૌથી વધુ લોકો કમાણી સાથે ફરવા પણ આવે છે, જ્યારે અહીંયા છેતરપિંડી કરનારાનો પણ તોટો નથી. ખુદ મુંબઈ રેલવે પોલીસ આ પ્રકારના ષડયંત્રમાં સંકળાયેલી હોય છે. રેલવેએ લાંચિયા પોલીસ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરી હોવાની ચોંકાવનારી માહિતી મળી છે. મુંબઈ સબર્બન રેલવેમાં સરકારી રેલવે પોલીસ (જીઆરપી)એ છેલ્લા પાંચ મહિનામાં મુંબઈ સહિત થાણેમાં પ્રવાસીઓ પાસેથી પૈસા વસૂલવાના કિસ્સામાં એક સિનિયર ઈન્સ્પેક્ટર સહિત 13 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું રેલવેએ જણાવ્યું હતું.
મુંબઈ સબર્બનના વિવિધ રેલવે સ્ટેશન ખાતે પ્રવાસીઓ પાસેથી બળજબરીપૂર્વક પ્રવાસીઓ પાસેથી પૈસા વસૂલતા હતા. એક વાત પણ સ્પષ્ટ છે કે એક સંગઠિત ગેંગ પ્રવાસીઓ પાસેથી બળજબરીપૂર્વક પૈસા વસૂલવાનું કામ કરતી હતી.આ મુદ્દે જીઆરપીના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે આરોપીઓ ખાસ કરીને લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનના પ્રવાસીઓને ટાર્ગેટ કરતા હતા, જેઓ કિંમતી સામાન લઈને પ્રવાસ કરતા હોય તેમ જ ફરિયાદ કરવાનું પણ અવગણતા હતા. આ પ્રવાસીઓ મુંબઈ સેન્ટ્રલ, દાદર, કુર્લા, બાંદ્રા ટર્મિનસ, બોરીવલી, થાણે, કલ્યાણ અને પનવેલ સ્ટેશન પર અવરજવર કરતા હતા.
અધિકારીએ કહ્યું કે તેમનું કામ સામાનની તપાસ પોલીસ ચોકીમાં રોકડ અને કિમતી સામાનની તપાસ કરવાનું હતું. પીડિતોએ એક વરિષ્ઠ અધિકારીને મળવાનું જણાવવામાં આવતું હતું અને તેમને પ્લેટફોર્મ પર જીઆરપી પરિસરમાં લાવવામાં આવતા હતા, જ્યાં સીસીટીવી કેમેરા પણ નહોતા પછી પ્રવાસીઓને તેમના સામાન હોવાનું પુરવાર કરવાનું જણાવવામાં આવતું હતું. એટલું જ નહીં, ત્યારપછી પ્રવાસીઓને ધમકી આપવામાં આવતી હતી કે કીમતી સામાન જપ્ત કરવામાં આવશે અથવા તેમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. અમુક કેસમાં મારપીટ પણ કરવામાં આવી હતી. આ સંજોગોમાં પ્રવાસીઓ પાસે ફક્ત એક જ વિકલ્પ હતો કે તેઓ પોલીસને પૈસા આપે.
ગયા મહિના દરમિયાન એક પ્રવાસી તેની દીકરી સાથે પ્રવાસ કરતો હતો, જે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર પોતાની બેગમાં રાખેલા 31,000 રુપિયામાંથી એક જીઆરપી અધિકારીને 30,000 રુપિયા આપવા મજબૂર થવું પડ્યું હતું. રાજસ્થાન પહોંચ્યા પછી પીડિત ફરિયાદ કર્યા પછી એફઆઈઆર નોંધવામાં આવી હતી, ત્યાર પછી મુંબઈ ટ્રાન્સફર કરી હતી. આ કેસમાં વિગતવાર તપાસ કર્યા પછી ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જે હાલમાં ફરાર છે, એમ પોલીસે જણાવ્યું હતું. પ્રવાસીઓને લૂંટવામાં પોલીસની સાંઠગાંઠ મુદ્દે રેલવે પોલીસ કમિશનર રાકેશ કલાસાગરે કહ્યું હતું કે છેલ્લા પાંચ મહિનામાં 13 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મારા કાર્યકાળ પછી એક પોલીસ સિનિયર ઓફિસર સહિત સાત પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવી છે.આ પ્રકારની ગતિવિધિમાં સામેલ લોકોને પણ વોર્નિંગ આપવામાં આવી છે. કમિશનરે પ્રવાસીઓને અપીલ કરી છે કે તમારા સામાનની તપાસ પણ સીસીટીવી કેમેરાવાળા રુમ સાથે વરદીવાળા પોલીસ દ્વારા કરવામાં આવે.



