મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલા કોરાડી મહાલક્ષ્મી જગદંબા મંદિરમાં શનિવારે રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 17 મજૂરો ઘાયલ થયા હતા. આ અંગે મળતી માહિતી મુજબ ભારે વરસાદના પગલે મંદિરમાં નિર્માણાઘીન ગેટનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. જેના લીધે કામ કરી રહેલા 17 મજૂરો ઘાયલ થયા હતા. તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાંથી કેટલાકની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના ભારે વરસાદના પગલે બની હોવાનું માનવામાં આવે છે.
જોકે, આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને આસપાસના લોકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. જયારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરીમાં જોડાઈ હતી.આ દરમિયાન આ ઘટનાની ગંભીરતાને જોતા જીલ્લા કલેકટર અને નાયબ પોલીસ કમિશ્નર ઘટના સ્થળે પહોચ્યા હતા. તેમજ રાહત અને બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે. તેમજ લોકોને અફવા ના ફેલાવા પણ અપીલ કરી છે. આ દુર્ઘટના અંગે અધિકારીએ જણાવ્યું કે આ સ્લેબ તુટવાનું કારણ હજુ જાણી શકાયું નથી. આ અંગે ટીમ દ્વારા તેની તપાસ કરવામાં આવશે. જયારે ઘટનામાં ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ જેસીબીની મદદથી કાટમાળ દુર કરવામાં આવી રહ્યો છે. હાલ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના પગલે અનેક વિસ્તારોમાં દુર્ઘટના ઘટી રહી છે. નાગપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. જેના લીધે જનજીવનને વ્યાપક અસર થઈ છે.



