દેશના અનેક રાજ્યોમાં મૂશળધાર વરસાદે ભારે કરે મચાવ્યો છે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત અકસ્માતોમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે રાજસ્થાનમાં વંટોળિયા વરસાદના કારણે અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂર્વોત્તર ભારતમાં અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. બીજીબાજુ હવામાન વિભાગે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને કેરળમાં ભારે વરસાદની એલર્ટ જાહેર કરી છે. ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદના કારણે 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાંથી આઠ લોકોના ડૂબી જવાથી, બે લોકોના સાપના કરડવાથી મોત નીપજ્યાં હતા. ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ, બાંદા, ગાઝીપુર, મોરાદાબાદ સહિત અનેક શહેરોમાં ભારે વરસાદના કારણે ટ્રાફિક જામ તેમજ અનેક જગ્યાએ જળબંબાકારના દૃશ્યો સર્જાયા હતા. એ જ રીતે રાજસ્થાનના અનેક જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
વરસાદના કારણે અજમેર, પુષ્કર, બુંદી, સવાઈ માધોપુર અને પાલી જિલ્લા સૌથી વધુ પ્રભાવિત થયા હતા. ટોંક જિલ્લાના ગોલરા ગામમાં 17 લોકો બાનસ નદીમાં ફસાઈ ગયા હતા. એસડીઆરએફે તેમને બહાર કાઢ્યા હતા. અજમેરનું અના સાગર સરોવર ઓવર ફ્લો થઈ ગયું હતું. વરસાદના કારણે છ જિલ્લામાં સ્કૂલો બંધ રાખવી પડી હતી. અજમેર દરગાહ પાસે એક યુવક તણાતા લોકોએ તેનો જીવ બચાવ્યો હતો. અજમેર સહિત અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાઈ હતી. હવામાન વિભાગે જણાવ્યું કે, બુંદી જિલ્લાના નૈનવામાં સૌથી વધુ 234 મીમી, નાગૌરના મેડતા શહેરમાં 230 મીમી અને અજમેરના મંગલ્યા વાસમાં 190 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું કે, જયપુર, કોટા અને બીકાનેર તથા પૂર્વીય રાજસ્થાનમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે.
અરૂણાચલ પ્રદેશના લોઅર સિયાંગ જિલ્લામાં સતત વરસાદથી અનેક જગ્યાઓ પર જમીન સંપર્ક તૂટી ગયો છે. આલો-લિકાબાલી રસ્તો અનેક સ્થળોએ ભૂસ્ખલનના કારણે બંધ થઈ ગયો છે. બીજીબાજુ સિક્કિમ અને પશ્ચિમ બંગાળ વચ્ચે નેશનલ હાઈવે-10 પર પણ ભૂસ્ખલન અને પથ્થરો પડવાથી ટ્રાફિક ખોરવાઈ ગયો છે. ઉત્તરાખંડમાં રવિવારે કુમાઉ ક્ષેત્રના નૈનીતાલ, ચંપાવત અને ઉધમસિંહ નગરમાં રેડ એલર્ટ જાહેર કરાઈ છે. ગઢવાલના દેહરાદૂન, ટિહરી અને પૌડી સાથે બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાઈ છે. હિમાચલ પ્રદેશમાં પણ સોમવાર અને મંગળવાર માટે ભારે વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ અપાઈ છે. વરસાદ અને ભૂસ્ખલન સહિતની ઘટનાઓના કારણે હિમાચલમાં અત્યાર સુધીમાં 141 રસ્તા બંધ થઈ ગયા છે. આ સિવાય કેરળમાં મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ, કન્નૂર અને કાસરગોડ જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાઈ છે.
