દિલ્હીમાં શુક્રવારે રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે શનિવારે સવારના સમયે દિલ્હીના દક્ષિણ પૂર્વી વિસ્તાર જૈતપુરના હરિનગરમાં એક ઇમારતની 100 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી થતાં 7 લોકોના મોતા થયા હતા જેમાં એક જ પરિવારના 4 લોકોનો સમાવેશ થાય છે. આ દૂર્ઘટનામાં 8 લોકોને ગંભીર ઇજા પહોંચી છે જેમને તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
સ્થાનિક લોકોના કહેવા મુજબ ઇમારતની દિવાલ ધરાશાયી થઇ તેનો એટલો મોટો અવાજ આવ્યો હતો કે આસપાસના ઝુંપડાઓમાં રહેતા તમામ લોકોમાં ભય ફેલાઇ ગયો હતો. તત્કાળ ફાયર બ્રિગેડને અને પોલીસને જાણ કરાઇ હતી. ફાયર બ્રિગેડે કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો શરુ કર્યા હતા.તપાસમાં બહાર આવ્યું છે કે આ ઇમારતની દિવાલ ધરાશાયી થતાં 3 પુરુષ, 2 મહિલા અને 2 બાળકીઓના મોત થયા છે. હરિનગર ગામની પાછળ રહેલા ઝુંપડાઓ ઉપર સમાધીની દિવાલ ધરાશાયી થતાં આ દુર્ઘટના થઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું. અત્યારે પણ ત્યાં રાહત અને બચાવનું કામ ચાલી રહ્યું છે.આ 100 ફૂટની દિવાલ ત્યાં આવેલા સમાધી સ્થાન ઉપર બનાવાયેલી હતી. દિવાલ ધરાશાયી થતાં તેની આસપાસ રહેલા અનેક ઝુંપડા દબાઇ ગયા હતા. કાટમાળમાંથી ઘણા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઇ જવાયા છે. સ્થળ પર પણ કેટલાકને સારવાર અપાઇ રહી છે.



