ગુજરાતમાં ચોમાસાએ ફરી જમાવટ કરી છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું હતું. હવામાન વિભાગ દ્વારા માછીમારોને 9 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી હતી.
સ્ટેટ ઈમજન્સી ઓપરેશન સેન્ટર મુજબ રાજ્યમાં સિઝનનો 95.89 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 101.28 ટકા અને સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 86.51 ટકા વરસાદ પડ્યો છે. પૂર્વ મધ્યમાં 99.31 ટકા, ઉત્તર ગુજરાતમાં 97.33 ટકા અને કચ્છમાં 88.25 ટકા વરસાદ વરસ્યો છે. સરદાર સરોવર ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાનો 91.46 ટકા ભરાયેલો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 83.19 ટકા જળસંગ્રહ છે. રાજ્યના 118 ડેમ હાઇ એલર્ટ પર છે, 85 ડેમ 100 ટકાથી વધુ ભરાયેલા છે. 15 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે.



