દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે અનેક નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જેના પગલે નવસારી જિલ્લા તંત્ર સતત ખડેપગે જાહેર જનતાને કોઇ પણ અગવડ ન પડે તેની તકેદારી સાથે કામગીરી કરી રહ્યું છે. ગત રાત્રીએ અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં પણ ધરખમ વધારો થતા નદીની આસપાસના વિસ્તારોના નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. રાત્રી દરમિયાન જ કુલ-૯૬૬ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની જહેમત બીલીમોરા નગરપાલિકા સહિત જિલ્લા તંત્રએ ઉઠાવી છે.
જયારે સવારે કેટલાક સ્થળોએ પાણી ઉતરતા કુલ-૭૨૧ લોકો પોતાના ઘરે પરત ફર્યા છે જ્યારે હાલની સ્થિતીએ ૨૪૫ નાગરિકો હજી પણ આશ્રયસ્થળ ઉપર સુરક્ષિત છે. આટલુ જ નહી સ્થળાંતરિત કરેલા નાગરિકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સુવા માટે ધાબડા, ચાદર, ગાદલા સહિત ચા-નાસ્તો, ભોજનના ૨૦૦૦ જેટલા ફુડ પેકેટ, સ્વચ્છ પાણી, શૌચાલય અને પોલીસ બંદોબસ્ત, મેડિકલ ટીમ પણ ગોઠવવામાં આવ્યા છે. અત્રે નોંધનિય છે કે, ગણદેવી તાલુકાના સોનવાડી, તલીયારા, ભાઠા, ઉંડાચ વા.ફ., બીલીમોરા નગર પાલીકા, દેસરા, ઉંડાચ લુ.ફ., દેવધા, તોરણગામ, અજરાઇ, ધમડાછા, વાધરેચ, અમલસાડ, ખખવાડા, સરીખુર્દ,મોરલી, આંતલીયા ગામના નાગરિકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા. આ નાગરિકો માટે અંદાજીત ૨૦૦૦ જેટલા ફુડ પેકેટની વ્યવસ્થા વિવિધ ગ્રામ પંચાયત, નવનાથ આશ્રમ દેવસર, જલારામ માનવ સેવા ટ્રસ્ટ-બીલીમોરા અને જિલ્લા તંત્રના સંકલનમાં રહીને સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી.




