મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં માલીવાડ સહિતનાં વિસ્તારમાં ત્રણેક દિવસ પહેલા એક કપિરાજે ત્રણેક લોકોને બચકા ભર્યા હતા. જેથી નગરમાં કપિરાજનાં ત્રાસથી કંટાળી તેને પકડી પાંજરે પૂરવાની રહીશોએ માંગ કરી હતી. ત્યારબાદ વ્યારા રેંજનાં ફોરેસ્ટ કર્મીઓ અને એન.જી.ઓ. આ કપિરાજને પકડવા છેલ્લા ત્રણેક દિવસથી સખત મહેનત કરી રહી છે.
જોકે ભારે જહેમત બાદ આજે માલીવાડ, કણજા ફાટક પાસે આવેલ આયુષ્માન કેન્દ્ર પાસેથી આખરે આ કપિરાજને ઝડપી પાડી પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી છે. વ્યારા નગરના માલીવાડ સહિતનાં વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી કપિરાજનાં તોફાનથી સ્થાનિકો હેરાન થતાં હતાં. એટલું જ નહી આ કપિરાજે ત્રણ લોકોને બચકા પણ ભર્યા હતા જેમની હાલ સારવાર ચાલી રહી છે. જોકે ભારે જહેમત બાદ આતંક મચાવનાર આ તોફાની કપિરાજ આજરોજ પાંજરે પુરાતા નગરજનોએ થોડી રાહત અનુભવી છે.



