Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ભાડે આપેલા બેંક ખાતાઓથી રૂ. 1.33 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભુજઃ સાયબર ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરીને ભાડે આપવામાં આવેલા બેંક ખાતાઓ (મ્યુલ એકાઉન્ટ્સ) મારફતે કરવામાં આવેલા રૂ. 1.33 કરોડથી વધુના અનધિકૃત ઓનલાઈન નાણાકીય વ્યવહારોનો પર્દાફાશ કર્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ કમિશનની લાલચે પોતાના બેંક ખાતાની કિટ અને સીમકાર્ડ અન્ય વ્યક્તિઓને આપ્યા હતા. ત્યારબાદ આ બેંક ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર નાણાકીય લેવડ-દેવડ અને સાયબર ફ્રોડ માટે કરવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.આ મામલે પોલીસ તપાસમાં પાર્થ ચેતન ઝાલા, અધીન ગોવિંદ કાનાણી, વશરામ ઉર્ફે કાળુ કાનાણી, કિશન જગદિશ વાંજા, વકાર હુશેન ડોડા, કુલદિપ ઉર્ફે કિશન બારોટ, વત્સલ ઉર્ફે વિશાલ અનીલ ઠક્કર અને બીટુ રમેશ ઠક્કરની સંડોવણી સામે આવી છે.

ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન ધી કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ બેંકની અંજાર શાખાના ખાતામાં રૂ. 57,59,438 તથા ગુજરાત ગ્રામીણ બેંકની અંજાર શાખાના ખાતામાં રૂ. 75,67,940ના અનધિકૃત ઓનલાઈન વ્યવહારો મળી આવ્યા હતા. આમ, બંને ખાતાઓમાં મળીને કુલ રૂ. 1,33,27,380ની નાણાકીય લેવડ-દેવડ થયાનું સામે આવ્યું છે.પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા માહિતી ટેકનોલોજી અધિનિયમ (IT Act)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સાયબર ક્રાઈમ પોલીસની આ કાર્યવાહી લોકો માટે પણ ચેતવણીરૂપ છે. કમિશન કે અન્ય લાલચમાં પોતાનું બેંક ખાતું, ATM, ચેકબુક, બેંકિંગ કિટ અથવા સીમકાર્ડ અન્ય વ્યક્તિને આપવાથી તે ખાતાનો ઉપયોગ સાયબર ગુનામાં થઈ શકે છે અને ખાતાધારક પણ કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ શકે છે. તેથી કોઈપણ વ્યક્તિએ પોતાના બેંક ખાતા કે બેંકિંગ વિગતો અન્યને આપતાં પહેલાં ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.