Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

દેશનાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હળવાથી ભારે વરસાદનું એલર્ટ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દેશભરમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા તારીખ 1થી 7 ઓક્ટોબર દરમિયાન દેશના વિવિધ ભાગોમાં હવામાનની સ્થિતિ અંગે મહત્વની આગાહી જાહેર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હળવાથી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ઉત્તર અને મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર ઘટતાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાનમાં છેલ્લા 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જયપુર, ટોંક, ઉદયપુર અને બીકાનેર જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થયો હતો.

જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત છે, જોકે 1 ઓક્ટોબરથી વરસાદનું જોર ઘટવાનું શરૂ થશે. પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ બંને વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે અને વરસાદની આગાહી નથી. આ સાથે ઉત્તર પ્રદેશમાંથી ચોમાસાની પણ વિદાય થશે. બિહારમાં પણ વરસાદી ગતિવિધિઓમાં ઘટાડો થયો છે. ચોમાસાની વિદાય સાથે વરસાદ પણ ધીમે ધીમે અટકી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, 1 ઓક્ટોબરે બિહારમાં વરસાદની શક્યતા નથી અને હવામાન સૂકું રહેવાનો અંદાજ છે.

તારીખ 3 ઓક્ટોબર બાદ રાજ્યમાં ફરી વરસાદ થઈ શકે છે. તમિલનાડુ સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાં મેઘરાજા ફરી ધમાકેદાર બેટિંગ કરે તેવી પૂરી સંભાવના છે. નીલગિરી, કોઈમ્બતૂર, સેલમ, ઇરોડ અને તિરુચિરાપલ્લી સહિતના જિલ્લાઓમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. કર્ણાટક, કેરળ અને પુડુચેરીમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જામી શકે છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તરાખંડ, અંડમાન અને નિકોબાર ટાપુસમૂહ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, ઝારખંડ, મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં વરસી શકે છે.(સૌજન્ય)