હાલ મોંધવારી આભે ચડી હોય તેવું લાગે છે, દિન-પ્રતિદિન દરે વસ્તુમાં મોંઘવારી જોવા મળે છે અમદાવાદનાં છૂટક બજારમાં લીંબુનો ભાવ હાલ રૂપિયા 300 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. માત્ર 15 દિવસમાં જ લીંબુના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં લીંબુના ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે ચોમાસામાં પણ ભાવવધારો યથાવત રહ્યો છે. લીંબુની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતાં માંગ સામે પુરવઠો ઘટ્યો છે, જેના કારણે ભાવ વધ્યા હોવાનું વેપારીઓનું માનવું છે. આગામી દિવાળી સુધી પરિસ્થિતિ આવી જ રહે તેવી શક્યતા છે. ગુજરાત દેશમાં લીંબુના મોટા ઉત્પાદક રાજ્યોમાંનું એક છે.
રાજ્યમાં લગભગ 40,000 હેક્ટર વિસ્તારમાં લીંબુની ખેતી થાય છે, જેમાં મહેસાણા અને ભાવનગરમાં સૌથી વધુ લીંબુનું ઉત્પાદન થાય છે. આ વર્ષે ચોમાસું નબળું રહ્યું છે અને સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ વર્તાઈ છે. અસ્થિર હવામાનને લીધે ખેતીની સાથે ફળની ગુણવત્તા તેમજ પાક ઉત્પાદનની આવક પર સીધી અસર પડી છે અને આ આવકમાં થયેલો ઘટાડો જ ભાવવધારાનું મુખ્ય કારણ છે. હોલસેલ બજારમાં પણ લીંબુના ભાવમાં ભારે તેજી જોવા મળી રહી છે. અમદાવાદમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં હોલસેલ ભાવ રૂપિયા 80થી 160 પ્રતિ કિલો આસપાસ હતા, જે વધીને હાલ રૂપિયા 120થી રૂપિયા 200 પ્રતિ કિલો સુધી નોંધાયા છે.
જ્યારે છૂટક બજારમાં ભાવ રૂપિયા 300 સુધી પહોંચી જતાં હવે ગ્રાહકો મજબૂરીવશ જરૂરિયાત મુજબ જ લીંબુ ખરીદતા થયા છે. હાલ છૂટક બજારમાં રૂપિયા 300 પ્રતિ કિલો વેચાતા લીંબુનો માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માત્ર રૂપિયા 100થી 150 જેટલો જ ભાવ મળી રહ્યો છે. ખેડૂતોને તેમનો પુરતો ભાવ પણ મળતો નથી. આમ, ખેડૂતો અને ગ્રાહકોના ભાવમાં જમીન-આસમાનનો ફરક જોવા મળી રહ્યો છે, જેના કારણે વચેટિયાઓને મોટો નફો થઈ રહ્યો છે. છૂટક બજાર પર કોઈ નિયંત્રણ ન હોવાને કારણે ગ્રાહકો પાસેથી મનફાવે તેમ ભાવ વસૂલવામાં આવી રહ્યા છે, જેથી ગ્રાહકો લૂંટાઈ રહ્યા છે અને મહેનત કરનાર ખેડૂતો વંચિત રહી જાય છે.(સૌજન્ય)




