ગુજરાત રાજ્યનાં મહેસાણા અને ગાંધીનગર જિલ્લાનાં એક જ કુટુંબના ત્રણ આશાસ્પદ યુવક-યુવતીઓ અમેરિકા પહોંચે તે પહેલાં જ વિદેશી ધરતી પર આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી અને અપહરણકારોની ખતરનાક ચુંગાલમાં ફસાઈ ગયા છે. પરિવારજનો પાસેથી સ્થાનિક એજન્ટે અગાઉ રૂપિયા 70 લાખ જેટલી તોતિંગ રકમ પડાવી લીધા પછી હવે આફ્રિકન દેશ ઇથિયોપિયાથી ‘ખાન’ નામના અજાણ્યા શખ્સે ત્રણેયને મુક્ત કરવા માટે રૂપિયા 1 કરોડની ખંડણી માંગી છે.
કલોલના મુન્નાભાઈ નામના વ્યક્તિનો પુત્ર પણ આ જ જૂથ સાથે અમેરિકા જવા માટે આ સફરમાં સામેલ હતો. પરંતુ તે યુવકનો એજન્ટ અલગ હતો અને તેણે નક્કી કરેલી રકમ સમયસર ચૂકવી દેતાં તેને સુરક્ષિત રીતે ગુજરાત પરત મોકલી દેવાયો હતો. જ્યારે મહેસાણા-ગાંધીનગરના આ ત્રણેય યુવાનોનો એજન્ટ એક જ હતો અને નાણાંની લેતીદેતી કે એજન્ટોના આંતરિક વિવાદમાં આ ત્રણેય નિર્દોષો આંતરરાષ્ટ્રીય માફિયાઓના હાથે બંધક બની ગયા છે.(સૌજન્ય)




