ઉત્તરપ્રદેશનાં ફતેહપુર જિલ્લામાં એક ભયંકર દુર્ઘટના સામે આવી છે. માલવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક નગરમાં રાંધણ ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક ફળ વિક્રેતાનું બે માળનું મકાન ધરાશાયી થઈ ગયું હતું. આ ભયાનક વિસ્ફોટ અને મકાન ધરાશાયી થવાને કારણે 5થી 6 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા, જેમાં સ્થાનિક લોકો દ્વારા એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. ગતરોજ સાંજે ઘરમાં રસોઈ બનાવતી વખતે અચાનક સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો.
આ ધડાકો એટલો તીવ્ર હતો કે બે માળનું પાકું મકાન ક્ષણભરમાં કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયું હતું અને આસપાસ આવેલા અન્ય 2 મકાનોને પણ મોટું નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક ગ્રામજનોની મદદથી કાટમાળ હટાવી નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 2 લોકોને તાત્કાલિક સારવાર અર્થે મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યા છે. જોકે કાટમાળ નીચે હજુ કેટલા લોકો દબાયેલા છે તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી અને સ્થાનિક પોલીસ અધિકારી રમાશંકર સરોજે હજુ સુધી સત્તાવાર રીતે કોઈના મોતના સમાચારને સમર્થન આપ્યું નથી. આ ગંભીર દુર્ઘટનાની નોંધ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લીધી છે. તેમણે ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર પહોંચીને રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવાના સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે.(સૌજન્ય)




