Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

નવા ગુજરાત ભાડા વિધેયક-2026નાં વિરોધમાં અમદાવાદની કોર્ટોમાં આજથી ત્રણ દિવસીય હડતાળનું એલાન

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજ્ય સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા નવા ગુજરાત ભાડા વિધેયક-2026ના વિરોધમાં અમદાવાદની કોર્ટોમાં આજથી ત્રણ દિવસીય હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારના ભાડા વિધેયક-2026ના વિરોધ સ્વરૂપે 30મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર સુધી સતત ત્રણ દિવસ અમદાવાદની કોર્ટોમાં હડતાળ પાળવામાં આવશે. આ હડતાળના કારણે ત્રણ દિવસ સુધી વકીલો કોર્ટના તમામ કામકાજથી અળગા રહેશે. આ હડતાળના ભાગરૂપે ભદ્ર સ્થિત સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, સ્મોલ કૉઝ કોર્ટ, ફેમિલી કોર્ટ તેમજ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સહિતની વિવિધ કોર્ટોના વકીલો ન્યાયિક કામકાજથી દૂર રહેશે.

આ ઉપરાંત, ઘી કાંટા સ્થિત મેટ્રો કોર્ટ તથા જિલ્લા-તાલુકા સ્તરે પણ વિરોધ અને હડતાળના કાર્યક્રમો યોજવા અંગે ગંભીર વિચારણા ચાલી રહી છે. એસોસિએશન દ્વારા સંબંધિત કોર્ટોને એવો અનુરોધ કરાયો છે કે આ ત્રણ દિવસ દરમિયાન વકીલો કે પક્ષકારોની ગેરહાજરીમાં કોઈ એકતરફી કેસ ચલાવવામાં ન આવે અને પક્ષકારોની ગેરહાજરીના કારણે કોઈ વોરંટ કે નોટિસ જારી ન કરવામાં આવે. વકીલોના જણાવ્યા અનુસાર, નવા ગુજરાત ભાડા વિધેયક-2026 હેઠળ સિટી સિવિલ કોર્ટ પાસેથી પ્રાથમિક નિર્ણય લેવાની સત્તા છીનવીને તે વહીવટી અધિકારીઓ જેવા કે આસિસ્ટન્ટ કલેક્ટર કે આસિસ્ટન્ટ કમિશનરને સોંપી દેવામાં આવી છે.

આ જોગવાઈના કારણે સામાન્ય અને નિર્દોષ નાગરિકો તેમજ વકીલોને ભારે હાડમારીનો સામનો કરવો પડશે. સાથે જ, તેનાથી ભ્રષ્ટાચાર અને ન્યાય મળવામાં વિલંબ થવા જેવા ગંભીર પ્રશ્નો પણ ઊભા થશે, જેને લઈને વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ ક્રિમિનલ કોર્ટ્સ બાર એસોસિએશન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર ઠરાવ સામે આવ્યો નથી, પરંતુ આગામી દિવસોમાં આ વિરોધની લડતને વધુ વ્યાપક બનાવવાની દિશામાં ચર્ચાઓ ચાલી રહી છે.(સૌજન્ય)