કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયોના મામલે દિલ્હી પોલીસના IFSO યુનિટે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને સમન્સ મોકલવામાં આવ્યું છે. તેલંગાણાના સીએમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના આ યુનિટે સીએમ રેવંત રેડ્ડીને 1 મેના રોજ તપાસમાં સામેલ થવા કહ્યું છે. સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને એ પણ માહિતી આપી છે કે દિલ્હી પોલીસે મુખ્યમંત્રીને તેમનો મોબાઈલ ફોન સાથે આવવા કહ્યું છે જેના દ્વારા નકલી વીડિયો X પર શેર કરવામાં આવ્યો હતો.
અત્રે જણાવી દઈએ કે ગૃહમંત્રી અમિત શાહનો એક નકલી વીડિયો સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. આ મામલે દિલ્હી પોલીસે રવિવારે ફરિયાદ મળ્યા બાદ કેસ નોંધ્યો હતો. ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો ઉપરાંત દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈટી એક્ટ હેઠળ પણ કેસ નોંધ્યો હતો. સ્પેશિયલ સેલ સાથે જોડાયેલા સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે હવે પોલીસ આ કેસમાં દેશના અલગ-અલગ સ્થળોએથી ધરપકડ કરી શકે છે.
