ગાંધીનગરનાં માણસા તાલુકાનાં વરસોડા ગામે રહેતા ખેડૂત સવારે તેમના પત્નીને લઈ દવાખાને ગયા હતા તે દરમિયાન તેમના બંધ મકાનના દરવાજાના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં મુકેલા 1.95 લાખના સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા જે બાબતે ખેડૂતે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માણસા તાલુકાના વરસોડા ગામે ખેતરમાં મકાન બનાવી રહેતા 64 વર્ષીય ખેડૂત બાબુભાઈ મગનભાઈ પ્રજાપતિ સવારે તેમના પત્નીને સ્નાયુનો દુખાવો હોવાથી દહેગામના બહિયલ ગામે દવા લેવા માટે ગયા હતા.
તે દરમિયાન તેમના બંધ મકાન પાસે અજાણ્યા ચોર ઇસમો ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા અને ઘરના મુખ્ય જાળીવાળા દરવાજાનું તાળું તોડી અંદર મકાનના લાકડાના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી રસોડામાં મુકેલ તિજોરી ના લોક ખોલી તેની અંદરના લોકર પણ ખોલી તેમાં મુકેલા સોના ચાંદીના એક લાખ 95 હજાર રૂપિયાના ઘરેણાની ચોરી કરી રસોડામાં સરસામાન વેરવિખેર કરી ભાગી છૂટયા હતા તો ખેડૂત જ્યારે દવાખાનેથી પરત આવ્યા અને ઘરના દરવાજાના તાળા તૂટેલા જોતા તેમને ચોરી થવાનો અંદાજ આવી ગયો હતો જેથી તેમણે તિજોરીમાં તપાસ કરતાં દાગીના મળી આવ્યા ન હતા જેથી તેમણે આજુબાજુ શોધખોળ બાદ માણસા પોલીસ સ્ટેશને અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.




