વાપી મોરાઈ બ્રિજ ઉપરથી એક યુવકે આપઘાત કરવા છલાંગ લગાવાઈ હતી. આ ઘટનામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું મોત થયું હતું. પોલીસને યુવકનાં ખિસ્સામાંથી મળેલા આધારકાર્ડથી તેની ઓળખ થતાં વલસાડના અતુલ ગામના રહિશ તરીકે થઈ હતી. યુવકની ત્રણ માસથી નોકરી છૂટી ગઈ હોવાથી તે અન્ય કંપનીઓમાં નોકરી માટે પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તેમાં સફળતા મળી ન હોવાનું બહાર આવ્યું હતુ.
સુત્રો પાસેથી મળતી વિગતો એવી છે કે, વાપી મોરાઈ બ્રિજ ઉપર આજે એક યુવક ચાલતા ચાલતા પહોંચ્યો હતો. જે બાદ તેણે બ્રિજની પાળી પર ચઢીને નીચે છલાંગ લગાવી હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓને ધ્યાને આ ઘટના આવતા તેઓ આ યુવકને બચાવવા દોડી ગયા હતા, પરંતુ આ ઘટનામાં ગંભીર ઈજા પામેલા યુવકનું મોત નિપજી ચુક્યું હતુ. ઘટનાની જાણ થતાં સ્થળ પર ધસી આવેલી પોલીસે યુવકના પેન્ટના ખિસ્સા તપાસ્યા હતા. જે વેળા તેનો આધારકાર્ડ મળી આવ્યો હતો. જેમાં તે યુવકનું નામ રામેશ્વર મિશ્રા હોવાનું તથા મૂળ જોનપુરનો અને હાલ વલસાડના અતુલ ખાતે રહેતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકની ત્રણ માસથી નોકરી છૂટી ગઈ હતી અને અન્ય કંપનીઓમાં નોકરી માટે પ્રયાસ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.




