કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે એક દિવસની મુલાકાતે રાયબરેલી પહોંચ્યા છે. મંગળવારે સવારે 10 વાગ્યે રાહુલ લખનૌ એરપોર્ટ પર ઉતર્યા હતા. રોડ માર્ગે રાયબરેલી પહોંચ્યા હતા. રસ્તામાં રોકાઈને તેમણે બછરાવનમાં ચુરવા હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ત્યાં તેઓ 15-20 મિનિટ સુધી રોકાયા હતા. રાહુલે મતદાનના દિવસે પણ આ મંદિરમાં પૂજા પણ કરી હતી. લોકસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ રાહુલની આ તેમના સંસદીય મત વિસ્તારની બીજી મુલાકાત છે. રાહુલના આગમનને લઈને પાર્ટી કાર્યકરોની સાથે જિલ્લાના લોકોમાં પણ ઉત્સાહ છે.
રાહુલ ગાંધી ભૂમૌ ગેસ્ટ હાઉસમાં પાર્ટી કાર્યકર્તાઓને મળશે. તેમજ તેમની સાથે જિલ્લાના વિકાસ કામોની ચર્ચા કરશે, જેથી સાંસદ ચૂંટાયા બાદ જિલ્લાના વિકાસના કામોને પ્રાથમિકતા આપી શકાય. આ ઉપરાંત તેઓ ગેસ્ટ હાઉસમાં જ લોકો સાથે પણ મુલાકાત કરશે. રાહુલ ગાંધીની રાયબરેલી પ્રાથમિકતા આપે છે. આ વાતનો ઉલ્લેખ તેમણે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પણ કર્યો હતો. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભૂમૌ ગેસ્ટ હાઉસમાં બેઠક દરમિયાન પાર્ટીને વધુ શક્તિશાળી બનાવવા પર ચર્ચા થશે. તારીખ 19 જુલાઈ, 2023નાં રોજ સિયાચેન ગ્લેશિયરમાં શહીદ થયેલા કેપ્ટન અંશુમાન સિંહના પરિવાર સાથે પણ રાહુલ ગાંધી મુલાકાત કરી શકે છે.
અસાધારણ બહાદુરી દર્શાવતી વખતે કેપ્ટન અંશુમાન સિંહ ત્રણ લોકોના જીવ બચાવતા શહીદ થયા હતા. કેપ્ટન અંશુમનને તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા મરણોત્તર કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. શહીદની પત્ની સ્મૃતિએ આ સન્માન મેળવ્યું હતું. કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ પંકજ તિવારીએ કહ્યું કે શહીદ કેપ્ટન અંશુમાન સિંહની પત્ની સ્મૃતિ મંગળવારે ભૂમૌ ગેસ્ટ હાઉસમાં રાહુલ ગાંધીને મળી શકે છે. રાહુલ પાર્ટી કાર્યકર્તાઓ, વકીલો, ડોક્ટર્સ એસોસિએશન અને વેપારી સંસ્થાઓને મળશે. રાયબરેલી એઈમ્સમાં પણ જશે. તારીખ 5 દિવસમાં રાહુલની આ બીજી યુપી મુલાકાત છે. રાહુલ 3જી જુલાઈએ હાથરસ ગયા હતા. ત્યાં તેઓ હાથરસ પીડિતોને મળ્યા હતા.




