સુરતનાં ગોડાદરા કેશવ પાર્કમાં રહેતા અને રીંગરોડ આદર્શ માર્કેટ-1માં દુકાન ધરાવતા 45 વર્ષીય વેપારીએ ઈજ્જત બચાવવા આ પગલું ભરું છું તેવી સ્યુસાઈડ નોટ લખી આપઘાત કરી લેતા ગોડાદરા પોલીસે તેમને લોન અપાવનાર એજન્ટ અને ઉઘરાણી માટે ફોન કરનાર વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં ગોડાદરા કેશવપાર્ક સોસાયટી ઘર નં.85માં રહેતા તેમજ રીંગરોડ આદર્શ માર્કેટ-1માં શુટની દુકાન ધરાવતા 45 વર્ષીય રાજેન્દ્રસિંહ રાજપૂતે બુધવારે સવારે ઘરમાં ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
તેમના પરિવારજનોને પેન્ટના ખિસ્સામાંથી એક કાપલી ઉપર હિન્દીમાં લખેલી સ્યુસાઈડ નોટ મળી હતી. તેમાં તેમણે લોન અપાવનાર એજન્ટ કલ્પેશ સોની અને લોનની ઉઘરાણી માટે ફોન કરનારનો ઉલ્લેખ કરી ઈજ્જત બચાવવા આપઘાત કરું છું તેવું લખ્યું હતું.આ અંગે જાણ થતા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વર્ષ 2018 માં શરૂ કરેલા કાપડના વેપારમાં નુકશાન થતા રાજેન્દ્રસિંહે આઈઆઈએફએલમાંથી સાતથી આઠ લોન લીધી હતી.
જોકે એજન્ટ કલ્પેશ સોનીએ તેમની જાણ બહાર ઉંચા વ્યાજે લોન અપાવી હતી. આર્થિક સ્થિતિ ખરાબ હોય હપ્તા ભરી શકવા અસમર્થ રાજેન્દ્રસિંહને આઈઆઈએફએલના કલેક્શન સેન્ટરના નંબર પરથી ફોન કરી ઉઘરાણી કરી ધમકી આપતા હતા. આ બધી હકીકતના આધારે ગોડાદરા પોલીસે રાજેન્દ્રસિંહના પુત્ર જીતેન્દ્રસિંહની ફરિયાદના આધારે એજન્ટ કલ્પેશ સોની અને ઉઘરાણી માટે ફોન કરનાર વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.



