(માહિતી બ્યૂરો, તાપી) : તારીખ ૨૧મી જૂન ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની તાપી જિલ્લામાં ભવ્ય અને આયોજનબદ્ધ ઉજવણી કરવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગાંધીનગર ખાતેથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ વર્ચ્યુઅલ બેઠકમાં તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બારડ તેમજ સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
બેઠક દરમિયાન જિલ્લામાં યોગ દિવસની ઉજવણી સુચારુ રૂપે થાય અને તેમાં વધુમાં વધુ નાગરિકો ઉત્સાહભેર ભાગ લે તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી તમામ આનુષંગિક વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા અંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા સંબંધિત વિભાગોને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.




