રૂ.1 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી વીઝા કન્સલ્ટંટ વિરુધ્ધના કેસ ફરિયાદ પક્ષે નિઃશકપણે સાબિત કરતાં એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ વિષ્ણુ ડી.દવેએ આરોપીને દોષી ઠેરવી છ માસની કેદ તથા ફરિયાદીને નકારાયેલા ચેકની લેણી રકમ વળતર પેટે ન ચુકવે તો વધુ બે માસની કેદની સજા ફટકારી છે.
પ્રાપ્ત માહિતી મુજબ બાંધકામના ધંધા સાથે સંકળાયેલા ફરિયાદી અલ્પેશકુમાર કરમશીભાઈ ગોયાણી(રે.રીવરવ્યૂ હાઈટ્સ,મોટા વરાછા)ના ધંધામાં મંદી હોઈ નવા ધંધાની શોધમાં હતા.જે દરમિયાન વીઝા કન્સલ્ટન્સીનું કામકાજ કરતાં આરોપી પાર્થ કિશોરભાઈ અણઘણ (રે.ક્રિષ્નાપાર્ક સોસાસટી,મોટા વરાછા)નો સંપર્ક થયો હતો.જેથી રૂ.6 લાખમાં કેનેડાના વર્ક પરમીટના વીઝાના નામે ફરિયાદી પાસેથી નાણાં મેળવ્યા બાદ વીઝા અપાવ્યા નહોતા.જેથી ફરિયાદીએ પોતે આપેલા નાણાં પરત માંગતાં આરોપીએ ઈન્કાર કર્યો હતો.જેથી ફરિયાદીએ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમાધાન કરાર મુજબ આરોપીએ ફરિયાદીને ૧ લાખના એક એવા છ ચેક લખી આપ્યા હતા.જે પૈકી રૂ.1 લાખનો ચેક રીટર્ન થતાં ફરિયાદીએ યોગેશ જોગાણી દ્વારા આરોપી વિરુદ્ધ કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.જેની સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે આરોપીના નકારાયેલા ચેક પોતાના કાયદેસરના લેણાં પેટે હોવાનું નિઃશકપણે સાબિત કર્યું હતુ.જેથી કોર્ટે આરોપી પાર્થ અણઘણને દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા વળતર ચુકવવા હુકમ કર્યો છે.




