દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બે દિવસમાં રાજીનામુ આપવાની જાહેરાત કર્યા પછી સોમવારે મુખ્યમંત્રી આવાસ પર બેઠક યોજાઈ હતી. અરવિંદ કેજરીવાલે આપ આગેવાનો અને મંત્રીઓ સાથે વ્યક્તિગત મળીને ચર્ચા કરી. આ બેઠક પૂરી થયા પછી દિલ્હીના મંત્રી અને આપના આગેવાન સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, તે આવતીકાલે મંગળવારે રાજીનામુ આપી દેશે. તેમણે આજે લેફ્ટનન્ટ ગવર્નર પાસે મળવાનો સમય માંગ્યો હતો અને હવે તેમને મંગળવાર સાંજનો સમય આપવામાં આવ્યો છે.
તેથી તે એલજીને મંગળવારે સાંજે રાજીનામુ આપે તેવી સંભાવના છે. આ બધા વચ્ચે દિલ્હીના નવા સીએમ કોણ હશે તેને લઈને ચર્ચા દિલ્હીના રાજકીય વર્તુળોમાં છે. આ ઘટનાક્રમને લઈને કેજરીવાલે રાજકીય મામલાની સમિતિને બોલાવી હતી. કેજરીવાલે નવા મુખ્યમંત્રીના વિષય પર ઉપલબ્ધ બધા રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરી હતી. તેમની પાસેથી ફીડબેક લીધું છે. આજે આપના વિધાનસભા પક્ષની બેઠક થશે અને આ ચર્ચાને બીજા તબક્કામાં લઈ જશે. આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, આપના વિધાનસભા પક્ષની બેઠક મંગળવારે સવારે સાડા અગિયાર વાગે થશે. તેમા નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા થશે.
આમ આ બેઠક અરવિંદ કેજરીવાલ એલજીની મળશે તે પહેલા થશે. આબકારી નીતિને લઈને સુપ્રીમ કોર્ટમાંથી જામીન પર છૂટેલા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે બે દિવસમાં રાજીનામુ આપવાની વાત કરીને બધાને ચોંકાવી દીધા છે. તેની સાથે તેમણે દિલ્હીમાં મહારાષ્ટ્રની સાથે જ નવેમ્બરમાં ચૂંટણી કરાવવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી લોકો તેમને પ્રામાણિકતાનું પ્રમાણપત્ર નહીં આપે ત્યાં સુધી તેઓ ખુરશી પર નહીં બેસે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પછી નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા તેજ થઈ ગઈ છે. કૈલાસ ગેહલોત, ગોપાલ રાય અને આતિશીમાંથી કોઈ એકને સીએમની ખુરશી મળી શકે છે. જો કે હજી સુધી કોઈ નામ પર મહોર લાગી નથી.




