મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં કુંભીયા ગામનાં લાલ ફળીયા નજીક રસ્તામાં વળાંકમાં ટ્રક અડફેટે આવતાં મોપેડ બાઈક સવાર યુવકનું ગંભીર ઈજાને કારને સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધ્યો હતો. 
મળતી માહિતી મુજબ, વાલોડનાં કુંભીયા ગામનાં સીમાળી ફળિયામાં રહેતો પરિમલભાઇ મોહનભાઈ ચૌધરી (ઉ.વ.૩૫)નો તારીખ 23/03/2025 નારોજ મોરદેવી ખાતેથી ખાનગી કામ પુર્ણ કરી કુંભીયા પોતાના ઘરે હોન્ડા કંપનીની એકટીવા મોપેડ બાઈક નંબર GJ/26/P/3512ની લઈને જતા હતા. તે દરમિયાન કુંભીયા ગામના લાલ ફળીયા નજીક રસ્તામા વળાંકમાં સામેથી આવતો ટ્રક નંબર GJ/05/AT/2508નાં ચાલકે પોતાના કબ્જાનો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પરિમલભાઇની મોપેડ બાઈકને અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો.
જોકે આ અકસ્માતમાં પરિમલભાઈને કાનનાં ભાગે, માથામાં તથા નાક ઉપર અને છાતીનાં અને પેટનાં ભાગે તેમજ જમણા પગનાં ઘુંટણથી નીચેનાં ભાગે ગંભીર ઇજા પહોંચાડી તેમનું મોત નિપજ્યું હતું. જયારે ટ્રક ચાલક આ અકસ્માત સર્જી પોતાનું વાહન સ્થળ ઉપર મૂકી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે નિકુંજકુમાર મોહનભાઈ ચૌધરી નાએ અજાણ્યા ટ્રક ચાલક સામે ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.



