વડોદરા જિલ્લાનાં કરજણ નેશનલ હાઈવે પર આવેલ ટીંબા કંપની નજીક એક CNG પંપ પર અચાનક બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. જેના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પંપ પર ગેસ પુરાવા આવેલ એક કારમાં ગેસ લીકેજ થવાને કારણે આ જોરદાર ધડાકો થયો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે, કાર ઉડી ગયો હતો. કારમાં લગાવેલી સીએનજી ટેન્કના બે ટુકડા થઈ ગયા. ટેન્કનો એક ટુકડો પંપ પર જ પડ્યો હતો. જ્યારે બીજો ટુકડો હવામાં ફંગોળાઈને દૂર જઈને પડ્યો. આ ગંભીર બ્લાસ્ટની ઝપેટમાં આવવાથી તેની પાછળ ઉભેલા અન્ય બે વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે.
અચાનક થયેલ આ ધડાકાને કારણે પંપ પર ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તેને ત્વરિત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. તો બીજી તરફ આ ઘટના બાદ પંપના CNG વિભાગને બંધ કરવામાં આવ્યો છે. કરજણ ફાયરની ટીમે આ મામલે તપાસ શરુ કરી હતી. જ્યારે કારમાં બ્લાસ્ટ થયો ત્યારે કોઈ વ્યક્તિ અંદર હાજર ન હતો જેથી મોટી જાનહાની ટળી હતી.(સૌજન્ય)



