સુરત શહેરના કતારગામ ગજેરા સર્કલથી રિક્ષામાં બેસેલા રત્નકલાકારને પહેલેથી બેસેલા ત્રણ ગઠિયાઓએ બેસવામાં અગવડ પડતી હોવાના બહાને આગળ પાછળ કરી ખિસ્સામાંથી રોકડા ૨૫ હજાર તફડાવી લીધા હતા.
મળતી માહિતી પ્રમાણે અમરોલી રિલાયન્સ નગરમાં રહેતો ૩૭ વર્ષીય રણછોડ ગણેશ બળોલીયા કતારગામ, નંદુડોશીની વાડીમાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. ગત બીજી સપ્ટેમ્બરની સવારે સાડા આઠ વાગ્યે તે ગજેરા સર્કલથી કતારગામ આશ્રમ જવા માટે એક રિક્ષામાં બેઠો હતો. પહેલાંથી જ ત્રણ મુસાફરો રિક્ષામાં બેઠા હતા. ચાલકે આ યુવકને પાછળ બેસેલા ત્રણ શખ્સોની વચ્ચે બેસાડી દીધો હતો. થોડીક જ સેકન્ડમાં ખેલ શરૂ થયો હતો. બેસવામાં અગવડ પડતી હોવાનું જણાવી આ રત્નકલાકારને આગળ પાછળ ખસવાનું કહી ઝઘડાનું નાટક શરૂ કર્યું હતું. જેથી રિક્ષાવાળાએ આરત્નકલાકારને કાંસાનગર પાસે જ ઉતારી દીધો હતો. ભાડું પણ લીધું ન હતું. રિક્ષા જતી રહ્યા બાદ ખિસ્સા ચેક કરતાં ૨૫ હજાર રૂપિયા ગુમ જોતાં આ રત્નકલાકારને પોતાની સાથે શું થયું તેનો ખ્યાલ આવ્યો હતો. કતારગામ પોલીસ મથકે ફરિયાદ કરતાં પોલીસે સીસીટીવીને આધારે રિક્ષા ગેંગની શોધખોળ હાથ ધરી છે.



