ગુજરાતમાં ધૂળેટીના પર્વની ઉજવણી દરમિયાન સાવધાની અને શિસ્તના અભાવે અનેક જગ્યાએ ગમખ્વાર ઘટનાઓ બની છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રંગોથી રમીને નદી, તળાવ કે કેનાલમાં ન્હાવા પડેલા ૨૫થી વધુ બાળકો અને યુવાનોના ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યા છે. સુરત, અમદાવાદ ગ્રામ્ય, મહીસાગર, અરવલ્લી અને અમરેલીમાં બનેલી આ ઘટનાઓએ તહેવારના આનંદને બેરંગ કરી દીધો છે.

અમદાવાદના કોતરપુર પાસે સાબરમતી નદીમાં ન્હાવા પડેલા કુબેરનગરના ચાર યુવાનોના ડૂબી જવાથી મોત થયા હતા, જેમાંથી એક યુવકે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. બીજી તરફ, માંડલના સીતાપુર પાસે આવેલા ઝોલાસર તળાવમાં પાંચ બાળકો ડૂબ્યા હતા, જેમાં બેનો બચાવ થયો હતો પણ ત્રણ માસૂમ બાળકો કાળનો કોળિયો બન્યા હતા.સુરતના માંગરોળના પાનસરા ગામે કીમ નદીમાં ન્હાવા પડેલા સંજય માંગુકિયા, ચંદ્રભૂષણ સિંહ અને હેપ્પી સિંહ નામના ત્રણ મિત્રોના મોત થયા હતા. જ્યારે બારડોલીના ઇસરોલી ગામે નદીમાં ન્હાવા પડેલા પાંચ મિત્રોમાંથી ચાર યુવાનો ડૂબી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ તમામના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
મહીસાગરના મુવાડા ગામે તળાવમાં ન્હાવા પડેલા ચાર યુવાનોના મોત થયા છે, જેમાં બે સગા ભાઈઓનો સમાવેશ થાય છે. અમિત, તુષાર, જયેશ અને વિપુલ નામના આ યુવાનોના મોતથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.અરવલ્લીમાં માલપુરના નવા જાંબુ ફળી ગામના બે પિતરાઈ ભાઈઓ જૈમિન અને રાયચંદ ડામોર (ધોરણ ૫ અને ૬) તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.અમરેલીના બહારપરા વિસ્તારનો એક યુવક શેત્રુંજી નદીમાં ન્હાવા જતા ડૂબી ગયો હતો. ઉપરાંત, મહેસાણાના કડી પાસે નર્મદા કેનાલમાં એક અને મોટી દઉં કેનાલમાં ન્હાવા પડેલા ચાર પૈકી બે યુવાનોના મોત નિપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
તંત્રની વારંવારની અપીલ છતાં બેદરકારી ભારે પડી : દર વર્ષે ધૂળેટીના પર્વે નદી-તળાવમાં ડૂબવાની ઘટનાઓ બનતી હોવા છતાં લોકો જોખમ ખેડે છે. વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા અજાણ્યા પાણીમાં ન ઉતરવાની સૂચનાઓ આપવામાં આવી હતી, તેમ છતાં શિસ્ત ન જળવાતા આજે અનેક ઘરોમાં માતમ છવાયો છે.



