મથુરા: ભગવાન શ્રીકૃષ્ણની નગરી મથુરામાં ઈદના પર્વે ગૌ-તસ્કરી રોકવા જતાં લોહીયાળ જંગ જેવી સ્થિતિ સર્જાઈ છે. કોસીકલાં વિસ્તારમાં ગૌ-તસ્કરોનો પીછો કરી રહેલા જાણીતા ગૌ-સેવક ચંદ્રશેખર ઉર્ફે ‘ફરસાવાળા બાબા’ પર તસ્કરોએ ગાડી ચઢાવી દઈ તેમની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતા સમગ્ર ઉત્તર પ્રદેશમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે ફાટી નીકળેલી હિંસા બાદ મથુરામાં સેના તૈનાત કરવાની ફરજ પડી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, નવીપુર વિસ્તારમાં ગૌ-તસ્કરો સક્રિય હોવાની બાતમી મળતા ચંદ્રશેખર બાબા પોતાની ટીમ સાથે મેદાનમાં ઉતર્યા હતા. તસ્કરોનો પીછો કરી રહેલા બાબાને રોકવા માટે તસ્કરોએ માનવતાની હદ વટાવી પોતાની ગાડી સીધી બાબા પર ચઢાવી દીધી હતી. આ ગમખ્વાર હુમલામાં ગૌ-સેવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા હજારોની સંખ્યામાં ગૌ-ભક્તો અને ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા.રોષે ભરાયેલા ટોળાએ આગ્રા-દિલ્હી હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. ભીડે એસડીએમ (SDM) અને પોલીસ અધિકારીઓની ગાડીઓ પર ભારે પથરાવ કર્યો હતો, જેમાં અનેક વાહનોને નુકસાન થયું છે.પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસે ટોળાને વિખેરવા અશ્રુગેસના ગોળા છોડ્યા હતા.
ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિક પોલીસની સાથે સેનાની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે. એસપી સિટી અને એડીએમ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાલ ઘટનાસ્થળે કેમ્પ કરી રહ્યા છે. બાબાનો પાર્થિવ દેહ તેમના વતન અંજનોખ પહોંચતા જ શોકનું મોજું ફરી વળ્યું છે. હિન્દુવાદી સંગઠનોએ તસ્કરો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે, જેના કારણે હાલ સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.




