નવી દિલ્હી:દેશમાં હવાઈ મુસાફરોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલા નવા નિયમ બાદ ઉડ્ડયન ક્ષેત્રમાં મોટો વિવાદ છેડાયો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (MoCA) એરલાઈન્સને દરેક ફ્લાઈટમાં 60 ટકા સીટો મુસાફરોને ફ્રીમાં એલોટ કરવાનો આદેશ આપતા એરલાઈન કંપનીઓએ તેનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે.

મંત્રાલયે DGCAને આપેલા નિર્દેશ મુજબ, એરલાઇન્સે ફ્લાઈટની કુલ ક્ષમતાના ઓછામાં ઓછી 60 ટકા બેઠકો પર સીટ પસંદગીનો ચાર્જ વસૂલવાનું બંધ કરવું પડશે. હાલમાં એરલાઇન્સ મનપસંદ સીટ માટે રૂ. 200 થી રૂ.2,100 સુધીની ફી વસૂલે છે. સરકારનો ઉદ્દેશ્ય મુસાફરો પરના આ વધારાના આર્થિક બોજને ઘટાડવાનો છે.સરકારના આ નિર્ણય સામે એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટ જેવી દિગ્ગજ કંપનીઓ એક થઈ ગઈ છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ (FIA) મુજબ સીટ પસંદગીની ફી એ એરલાઇન્સની આવકનો મોટો સ્ત્રોત છે. તેના વગર ઓપરેશનલ ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ બનશે.ઈંધણના વધતા ભાવ અને એરપોર્ટ ચાર્જ સામે એરલાઇન્સ પહેલેથી જ ઓછા પ્રોફિટ માર્જિન પર કામ કરી રહી છે.
જો આ સોર્સ બંધ થશે, તો કંપનીઓ નુકસાનની ભરપાઈ કરવા માટે બેઝ ફેરમાં વધારો કરશે, જે અંતે મુસાફરોને જ મોંઘું પડશે. હાલમાં આ મામલે સરકાર અને એરલાઈન્સ વચ્ચે મડાગાંઠ સર્જાઈ છે. જો સરકાર નમતું ન જોખે, તો આગામી દિવસોમાં હવાઈ મુસાફરીના મૂળભૂત ભાડામાં ધરખમ વધારો જોવા મળી શકે છે.




