ગાંધીનગર જિલ્લાના માણસા શહેરના પાંજરાપોળ પાસેના વળાંક પર આજે બપોરના સમયે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક મોટરસાઇકલ ટ્રકના પાછળના ભાગે અથડાઈને ટાયર નીચે આવી જતાં બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પર પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી છે.
મળતી માહિતી પ્રમાણે મૂળ મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના રહેવાસી અને ટ્રક ડ્રાઈવર કાનાભાઈ અમરાભાઈ ખાંટે માણસા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ પોતાની દસ ટાયરવાળી ટ્રક GJ-31-T-6860 માં આકાશ સિરામિકમાંથી ટાઇલ્સ ભરીને લુણાવાડા જવા નીકળ્યા હતા. બપોર જ્યારે તેમની ટ્રક માણસા પાંજરાપોળ પાસેના વળાંક પરથી પસાર થઈ રહી હતી, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલી એક મોટરસાઇકલ GJ-02-EE-9523ના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બાઈક ટ્રકની પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે બાઈક ચાલક આનંદ જ્યોતિભાઈ રાવળ (રહે.ઉબખલ, તા.વિજાપુર) સીધો ટ્રકના પાછળના ટાયર નીચે આવી ગયો હતો. માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે આનંદનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તુરંત એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ઇજાગ્રસ્તોને માણસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.માણસા પોલીસે આ મામલે ટ્રક ચાલક કાનાભાઈની ફરિયાદના આધારે મૃતક બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



