Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

દિલ્હી-NCRમાં સીએનજીનાં ભાવમાં પ્રતિ કિલો વધુ રૂપિયા 1નો વધારો, વાહન ચાલકોને મોંઘવારીનો વધુ એક ઝટકો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દિલ્હી-NCRમાં રહેતા વાહન ચાલકોને મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ગેસ કંપનીઓ દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ વધુ રૂપિયા 1 નો વધારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ અગાઉ કંપનીઓએ રૂપિયા 2નો વધારો કર્યો હતો, જેનો અર્થ એ થાય કે છેલ્લા ત્રણ દિવસમાં જ સીએનજી રૂપિયા 3 જેટલો મોંઘો થઈ ચૂક્યો છે. આ નવા વધારા બાદ હવે દિલ્હીમાં એક કિલો સીએનજીની કિંમત વધીને રૂપિયા 80.09 થઈ ગઈ છે. નવા ભાવ વધારા બાદ નોઈડા, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગરમાં સીએનજીનો નવો ભાવ પ્રતિ કિલો રૂપિયા 88.70 થઈ ગયો છે. હરિયાણાના ગુરુગ્રામમાં આ દર રૂપિયા 85.12 અને કરનાલમાં રૂપિયા 84.43 થયો છે.

જ્યારે દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો, ઉત્તરપ્રદેશના કાનપુર અને હમીરપુરમાં સીએનજી સૌથી મોંઘો એટલે કે રૂપિયા 91.42 પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. રાજસ્થાનના અજમેર અને પાલીમાં નવો ભાવ રૂપિયા 89.44 છે, જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં હાલ સીએનજી નો ભાવ રૂપિયા 84 પ્રતિ કિલોગ્રામ છે. ભારત પોતાની જરૂરિયાતના 50 ટકા કરતા પણ વધુ કુદરતી ગેસ (નેચરલ ગેસ) આંતરરાષ્ટ્રીય બજારમાંથી આયાત કરે છે. હાલમાં ચાલી રહેલા ‘હોર્મુઝ સંકટ’ ના કારણે ગેસના પુરવઠામાં મોટી અછત સર્જાઈ છે અને તેની સામે વૈશ્વિક માંગ વધી છે.

આ પરિસ્થિતિને કારણે ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ અને મહાનગર ગેસ લિમિટેડ જેવી સપ્લાયર કંપનીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરેથી ગેસ ખરીદવો ઘણો મોંઘો બન્યો છે. કંપનીઓનું કહેવું છે કે મોટું નુકસાન અટકાવવા માટે આ વધેલી કિંમતનો બોજ ગ્રાહકો પર નાખવો જ એકમાત્ર વિકલ્પ હતો. જોકે આ બધા વચ્ચે સામાન્ય જનતા માટે રાહતની વાત એ છે કે ઘરોમાં પાઇપલાઇન દ્વારા સપ્લાય થતા રાંધણ ગેસ અને ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતોમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેના કારણે રસોડાનું બજેટ હાલ પૂરતું ખોરવાતા બચી ગયું છે.(File Photo)