Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ત્રિવેન્દ્રમથી હઝરત નિઝામુદ્દીન જઈ રહેલ રાજધાની એક્સપ્રેસ ટ્રેનનાં એક એસી કોચમાં ભીષણ આગ, સદ્દનસીબે મોટી જાનહાનિ થતાં ટળી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આજરોજ વહેલી સવારે દિલ્હી-મુંબઈ રેલવે ટ્રેક પર એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ત્રિવેન્દ્રમથી હઝરત નિઝામુદ્દીન જઈ રહેલી રાજધાની એક્સપ્રેસ ટ્રેનના એક એસી કોચમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે જોતજોતામાં આગે આખા કોચને લપેટમાં લઈ લેતા અફરાતફરી મચી ગઈ હતી પરંતુ ટ્રેન સ્ટાફ અને રેલવે સુરક્ષા દળની તત્પરતાના કારણે સમયસર તમામ મુસાફરોને બહાર કાઢી લેવાતા મોટી જાનહાનિ થતાં થતાં ટળી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ટ્રેન નંબર 12431 ત્રિવેન્દ્રમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ સવારે લગભગ 5:30 વાગ્યે કોટા રેલવે ડિવિઝન હેઠળના રતલામ જિલ્લાના અલોટ સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી. લુની રિચા અને વિક્રમગઢ અલોટ સ્ટેશનો વચ્ચેથી ટ્રેન પૂરપાટ ઝડપે દોડી રહી હતી.

ત્યારે ટ્રેન ગાર્ડની નજર ‘B1’ એસી કોચમાંથી નીકળતા કાળા ધુમાડા પર પડી હતી. ગાર્ડે તાત્કાલિક આ અંગે લોકો પાયલટને કટોકટીનો સંદેશો આપ્યો હતો. ખતરાની ઘંટી વાગતા જ ડ્રાઇવરે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને અધવચ્ચે જ ટ્રેક પર રોકી દીધી હતી. જે કોચમાં આગ લાગી હતી તેમાં કુલ 68 મુસાફરો સવાર હતા. ટ્રેન ઊભી રહેતાની સાથે જ RPF સ્ટાફ અને એટેન્ડન્ટ્સે મોરચો સંભાળી લીધો હતો અને માત્ર 15 મિનિટના ટૂંકા ગાળામાં તમામ 68 મુસાફરોને સામાન સાથે સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધા હતા. આગ બાકીની ટ્રેનમાં ન ફેલાય તે માટે રેલવેની તકનીકી ટીમે તાબડતોબ અસરગ્રસ્ત ‘B1’ કોચને ટ્રેનના અન્ય ડબ્બાઓથી કાપીને અલગ કરી દીધો હતો. સાવચેતીના ભાગરૂપે ટ્રેનનો ઓવરહેડ વીજ પુરવઠો પણ બંધ કરી દેવાયો હતો.

જયારે આગના સમાચાર મળતા જ કોટા રેલવે ડિવિઝનની રાહત, બચાવ અને ફાયર ફાઇટર સહિતની ટેકનિકલ ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં આખો એસી કોચ બળીને રાખ થઈ ગયો હતો. આ અકસ્માતને કારણે દેશના સૌથી વ્યસ્ત ગણાતા દિલ્હી-મુંબઈ રેલ્વે ટ્રેક પરનો ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. ઘટનાના પગલે છેલ્લા કેટલાક કલાકોથી આ રૂટ પરની અનેક ટ્રેનો અટવાઈ પડી છે. હાલમાં રેલવેના વરિષ્ઠ અધિકારીઓ કાફલા સાથે ઘટના સ્થળે હાજર છે અને શોર્ટ સર્કિટ અથવા અન્ય કયા કારણે આગ લાગી તે અંગે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ટ્રેકને વહેલી તકે કાર્યરત કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.