Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ચીનના દક્ષિણ ભાગનાં ગુઆંગ્સી સ્વાયત્ત પ્રદેશમાં ભૂકંપનાં જોરદાર આંચકા અનુભવાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ચીનના દક્ષિણ ભાગમાં આવેલ ગુઆંગ્સી સ્વાયત્ત પ્રદેશમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ છે. તીવ્ર આંચકાના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો મોડી રાત્રે જ પોતાના ઘરો છોડીને રસ્તા પર દોડી આવ્યા હતા. માધ્યમો દ્વારા મળતી માહિતી અનુસાર, સોમવારે રાત્રે 12.21 વાગ્યે ભૂકંપનો મોટો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી છે. આ આંચકો લિઉઝોઉ શહેરના લિઉનાન જિલ્લામાં આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ તાઇયાંગચુન નગર પાસે હોવાનું સામે આવ્યું છે. ભૂકંપનું કેન્દ્ર જમીનથી માત્ર 8 કિલોમીટરની ઊંડાઈએ હતું.

કેન્દ્રબિંદુ પૃથ્વીની સપાટીથી ઘણું નજીક હોવાને કારણે આંચકા અત્યંત તીવ્ર અને વિનાશક અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે, પળવારમાં જ 13 ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. આ સિવાય અનેક ઘરો અને અન્ય રહેણાંક ઇમારતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ગંભીર પરિસ્થિતિને જોતા સ્થાનિક વહીવટી તંત્રે તાત્કાલિક એક્શન લીધા હતા. સંભવિત જોખમને ટાળવા માટે અત્યાર સુધીમાં 7000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા અસરગ્રસ્તો માટે અસ્થાયી રાહત શિબિરો શરૂ કરીને જરૂરી તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર, કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ ટુકડીઓ સતત કાર્યરત છે. અકસ્માતમાં ઘાયલ થયેલા ચાર લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં હાલ તેમની સ્થિતિ ભય બહાર હોવાનું કહેવાય છે. જ્યારે ગુમ થયેલા એક વ્યક્તિની શોધખોળ માટે રેસ્કયૂ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે. આ ભૂકંપની અસર માત્ર લિઉઝોઉ પૂરતી સીમિત નહોતી, પરંતુ ગુઆંગ્શી પ્રદેશના અન્ય મોટા શહેરો જેમ કે નાનિંગ અને ગુઇલિનમાં પણ લોકોએ જોરદાર આંચકા અનુભવ્યા હતા.

વધુમાં રેલ્વે સત્તાવાળાઓ દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ રેલ લાઇનોની સુરક્ષા તપાસ શરૂ કરવામાં આવી છે. ટ્રેનના પાટાઓને કોઈ નુકસાન થયું છે કે નહીં તેની ચકાસણી ચાલી રહી હોવાથી કેટલીક ટ્રેનોના શિડ્યુલ ખોરવાઈ શકે છે, જેના કારણે મુસાફરોને વિલંબનો સામનો કરવો પડી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે વિસ્તારમાં વીજળી, પાણી, ગેસ અને ટેલિકોમ્યુનિકેશન જેવી આવશ્યક સેવાઓ સંપૂર્ણપણે સામાન્ય રીતે કામ કરી રહી છે. ચીનના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે આગામી સમયમાં આફ્ટરશોક્સ આવવાની આશંકાને ધ્યાનમાં રાખીને મોનિટરિંગ વધારી દીધું છે અને લોકોને અત્યંત સતર્ક રહેવાની અપીલ કરી છે.