Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વ્યારાના પાનવાડીમાં આડા સંબંધની અદાવતમાં યુવક પર કોયતાથી જીવલેણ હુમલો: કાન કાપી નાખ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વ્યારા તાલુકાના પાનવાડી ગામે આડા સંબંધની અદાવતમાં એક યુવક પર કોયતા વડે જીવલેણ હુમલો કરી તેનો ડાબો કાન કાપી નાખવાની ચકચારી ઘટના સામે આવી છે. આ મામલે વ્યારા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર, પાનવાડી ગામના ટાંકી ફળિયામાં રહેતા કાનાભાઈ જીવણભાઈ ભરવાડ (ઉં.વ. ૩૪) નામના પશુપાલક યુવકને જાણ થઈ હતી કે તેમની પત્નીના ઘરની બાજુમાં જ રહેતા નાજાભાઈ ખેતાભાઈ ભરવાડ સાથે આડા સંબંધો છે. આ બાબતે ગઈકાલે તા. ૬ જૂન ૨૦૨૬ના રોજ રાત્રે આશરે સાડા આઠ વાગ્યે કાનાભાઈ પોતાના કાકા અને અન્ય કુટુંબીજનોને સાથે રાખીને નાજાભાઈને સમજાવવા માટે તેમના ઘરે ગયા હતા.

કાનાભાઈને જોતા જ આરોપી નાજાભાઈ એકદમ આવેશમાં આવી ગયો હતો અને “તને આજે કોયતાથી કાપી નાખવાનો છે અને જીવતો નથી છોડવો” તેવી ધમકી આપી હાથમાં રહેલું શેરડી કાપવાનું કોયતું માથામાં મારવા દોડ્યો હતો. કાનાભાઈએ સમયસૂચકતા વાપરી ખસી જવાનો પ્રયત્ન કર્યો હતો, તેમ છતાં કોયતાનો ઘા તેમના ડાબા કાન પર વાગતા કાન કપાઈને લટકતી હાલતમાં લોહી-લુહાણ થઈ ગયો હતો. ત્યાં હાજર અન્ય લોકોએ વચ્ચે પડીને કાનાભાઈને વધુ માર ખાવામાંથી બચાવ્યા હતા.

હુમલા બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત કાનાભાઈને તાત્કાલિક મોટરસાયકલ પર વ્યારા પોલીસ સ્ટેશન અને ત્યાંથી વ્યારા જનરલ હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ વધુ લોહી વહી ગયું હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સુરતની યુનિવર્સલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજે તેમના કાનનું ઓપરેશન કરવામાં આવ્યું છે.

આ મામલે વ્યારા પોલીસે ભોગ બનનાર કાનાભાઈ ભરવાડની ફરિયાદના આધારે આરોપી નાજાભાઈ ખેતાભાઈ ભરવાડ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જગરૂત નવીનચંદ્ર જોષી ચલાવી રહ્યા છે.