સુરત શહેરના ખાંડ બજાર વિસ્તારમાં આવેલી એક જ્વેલરી પ્રોસેસિંગ ફેક્ટરીમાં ઈટીપી (ગંદા પાણીની) ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકોના ગૂંગળામણના કારણે કરૂણ મોત નિપજ્યા છે. સુરક્ષાના સાધનો વિના ટાંકીમાં ઉતરેલા કામદારો ઝેરી ગેસની અસરમાં આવી ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોર્યાસી ડેરી નજીક આવેલા ‘રતિ હાઉસ’ (રતિહ જ્વેલર્સ) નામના યુનિટમાં સવારે નિયમિત સફાઈ માટે કામદારો ભૂગર્ભ ટાંકીમાં ઉતર્યા હતા, જ્યાં તેઓ બેભાન થઈને ફસાઈ ગયા હતા. સવારે ૧૦:૨૨ વાગ્યે કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ ચારેય શ્રમિકોને બહાર કાઢ્યા હતા. તેમને તાત્કાલિક સ્મીમર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.સુરક્ષાના નિયમોની ઘોર અવગણના વરાછા પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે તપાસ કરતા મૃતક શ્રમિકોના શરીર પર કે આસપાસ કોઈ પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્સ (PPE) એટલે કે સુરક્ષાના સાધનો મળી આવ્યા ન હતા. પ્રાથમિક દ્રષ્ટિએ ટાંકીમાં રહેલા કેમિકલ યુક્ત કચરાના ઝેરી ગેસ અથવા ગૂંગળામણને કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું મનાય છે. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોની ઓળખ:
- નિમેશ વિઠ્ઠલભાઈ સાવલિયા (ઉં.વ.૨૬, સુપરવાઈઝર)
- વિકાસકુમાર સંતોષભાઈ સોનાવણે (ઉં.વ.૨૪)
- વિજય ભીખાભાઈ આહીરે (ઉં.વ.૨૪)
- યોગેશ નાનાભાઈ જાદવ




