વાલોડ તાલુકાના શીકેર ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ૨૨ વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શીકેર ગામના ઢોડીયાવાડ ફળીયામાં રહેતા પ્રિન્સ અર્જુનભાઈ ઢોડીયા (ઉંમર વર્ષ ૨૨) નામના યુવકે ગુરૂવારે (૧૧ જૂન ૨૦૨૬) મોડી રાત્રે આશરે ૧૨:૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરના છતની એંગલ સાથે નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ તેને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વાલોડ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.
આ અંગે મૃતકના મોટા ભાઈ અંકીતભાઇ ઢોડીયાએ વાલોડ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ASI મહેશભાઇ બાપુભાઇ કરી રહ્યા છે.




