છેવાડાના વિસ્તારોમાં વહીવટી તંત્રની કામગીરી સુદ્રઢ બને અને સરકારી યોજનાઓનો લાભ પ્રત્યેક માનવી સુધી પહોંચે તેવા આશય સાથે તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ ઉચ્છલ તાલુકાના ભીંતખુર્દ, માણેકપુર, ધજ જેવા છેવાડાના ગામડાઓની મુલાકાત લીધી હતી. નિર્ધારિત પ્રવાસ કાર્યક્રમ મુજબ કલેકટરશ્રીએ ભીંતખુર્દ, માણેકપુર,અને ધજ ગ્રામ પંચાયત કચેરીઓની વિઝીટ લઈને ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામજનોને આપવામાં આવતી સેવાઓ, વિવિધ યોજનાઓના અમલીકરણ તેમજ દસ્તાવેજી કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમણે ગ્રામ પંચાયત સ્તરે નાગરિકોને સમયસર અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા. સાથે જ સ્વચ્છતા, સુવિધા અને લોકોની અરજીઓના ઝડપી નિકાલ પર ભાર મૂક્યો હતો.
તેમણે ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને ગામમાં ચાલી રહેલા વિકાસકામોની સમીક્ષા કરી હતી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પીવાના અને સિંચાઈના પાણીની સુવિધા અંગે લોકો પાસેથી વિગતો મેળવી હતી, જેથી આગામી સમયમાં પાણીની અછત જેવી સમસ્યાઓનું કાયમી નિવારણ લાવી શકાય. સાથોસાથ કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ શિક્ષણ સ્તરને ચકાસવા માટે કલેક્ટરશ્રીએ ધજ પ્રાથમિક શાળાના ૧ થી ૫ ધોરણના ૨૫ જેટલાં વિદ્યાર્થીઓને તેમણે પોતે વર્ગખંડમાં જઈને પુસ્તક વાંચન કરાવ્યુ હતું. સરકારી શાળાના બાળકોની વાંચન ક્ષમતા અને આત્મવિશ્વાસ જોઈને કલેક્ટરશ્રી અત્યંત પ્રભાવિત થયા હતા અને શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી.




