ગુજરાતમાં ગુનાખોરીની તપાસને વધુ વૈજ્ઞાનિક, ઝડપી અને અસરકારક બનાવવા માટે કાર્યરત મોબાઇલ ફોરેન્સિક વેન (MFV) મહત્વની ભૂમિકા ભજવી રહી છે. રાજ્યમાં હાલ 47 મોબાઇલ ફોરેન્સિક વેન કાર્યરત છે, જેમાંથી 28 વેનને વર્ષ 2024માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ધોરણો અનુસાર અપગ્રેડ કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષ દરમિયાન આ વેનો 37,269થી વધુ ક્રાઇમ સીન પર પહોંચી પ્રાથમિક વૈજ્ઞાનિક તપાસ અને પુરાવા સંરક્ષણમાં પોલીસને સહયોગ આપી ચૂકી છે.
ગુનાની તપાસમાં સૌથી મહત્વનું પાસું ઘટનાસ્થળેથી મળતા પુરાવાનું સમયસર અને સુરક્ષિત સંરક્ષણ છે. પુરાવા દૂષિત ન થાય અને ઘટનાસ્થળે જ તેની પ્રાથમિક તપાસ થઈ શકે તે માટે મોબાઇલ ફોરેન્સિક વેનને મિની ફોરેન્સિક લેબોરેટરી તરીકે તૈયાર કરવામાં આવી છે.સરકારી માહિતી અનુસાર, છેલ્લા બે વર્ષમાં મોબાઇલ ફોરેન્સિક વેન દ્વારા 1,529 હત્યા, 3,746 બળાત્કાર, પોક્સો અને બાળ અત્યાચારના કેસ, 1,583 હત્યાના પ્રયાસ, 728 લૂંટ, 2,758 ચોરી અને ઘરફોડ, 154 ફાયરિંગ, 43 વિસ્ફોટ, 2,893 આગ, 1,968 નાર્કોટિક્સ તેમજ 9,022 જીવલેણ અકસ્માત અને અન્ય ગંભીર બનાવોમાં સ્થળ પર પહોંચી વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત 10,457 અન્ય સ્થળોની મુલાકાતમાં આકસ્મિક મૃત્યુ, કસ્ટોડિયલ ડેથ, અપ્રાકૃતિક મૃત્યુ અને શંકાસ્પદ ઘટનાઓનો પણ સમાવેશ થાય છે.
આ વેનોમાં ડીએનએ અને સેક્સ્યુઅલ અસોલ્ટ એવિડન્સ કિટ, નાર્કોટિક્સ સ્ક્રીનિંગ કિટ, વિસ્ફોટક પદાર્થોની તપાસ માટેની કિટ, ગન શોટ રેસિડ્યુ કિટ, આગની તપાસ માટેની કિટ તેમજ ફૂટપ્રિન્ટ અને ટાયર પ્રિન્ટ કાસ્ટિંગ સહિત કુલ 12 વિશેષ વૈજ્ઞાનિક કિટ ઉપલબ્ધ છે.તે ઉપરાંત સ્ટિરિયો માઇક્રોસ્કોપ, DSLR કેમેરા, GPS આધારિત બોડી-વોર્ન કેમેરા, લેપટોપ, પ્રિન્ટર, મિની રેફ્રિજરેટર, LED સ્ક્રીન, હાઈ ઇન્ટેન્સિટી ફોરેન્સિક લાઇટ સોર્સ અને જનરેટર જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ હોવાથી લોહીના ડાઘ, ફિંગરપ્રિન્ટ, પગલાં, ટાયરના નિશાન, નાર્કોટિક્સ, વિસ્ફોટક અવશેષો, બળેલી સામગ્રી, વાળ, ફાઇબર, માટી અને કાચના નમૂનાઓ સહિતના વિવિધ પુરાવાઓની પ્રાથમિક તપાસ ઘટનાસ્થળે જ શક્ય બને છે.
ખાસ કરીને બળાત્કાર અને પોક્સોના કેસોમાં જૈવિક પુરાવાનું સમયસર સંરક્ષણ અને સંગ્રહ અત્યંત મહત્વપૂર્ણ હોય છે. આવી સ્થિતિમાં મોબાઇલ ફોરેન્સિક વેન ઝડપથી સ્થળ પર પહોંચી વૈજ્ઞાનિક રીતે પુરાવા એકત્રિત કરવામાં મદદરૂપ બને છે. બોડી કેમેરા, ડિજિટલ ફોટોગ્રાફી અને CCTV આધારિત દસ્તાવેજીકરણના કારણે ક્રાઇમ સીનનું વધુ ચોકસાઈથી વિશ્લેષણ પણ શક્ય બન્યું છે.સરકારે જણાવ્યું છે કે નવા ફોજદારી કાયદા હેઠળ સાત વર્ષ કે તેથી વધુ સજાપાત્ર ગુનાઓમાં ફોરેન્સિક તપાસ ફરજિયાત બનાવવામાં આવી હોવાથી રાજ્યમાં મોબાઇલ ફોરેન્સિક વેનોની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની છે. વૈજ્ઞાનિક પુરાવાના આધારે તપાસને મજબૂત બનાવી આરોપીઓને કાયદેસરની સજા અપાવવામાં આ વ્યવસ્થા અસરકારક સાબિત થઈ રહી છે.




