Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

જૂનાગઢમાં ACBનો સપાટો: સરકારી ખુરશીનો દુરુપયોગ કરી કરોડોની સંપત્તિ ખડકતા બે નિવૃત્ત બાબુઓ સકંજામાં

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સરકારી નોકરીને પ્રજાસેવા નહીં પરંતુ પોતાની તિજોરી ભરવાનું માધ્યમ બનાવનારા ભ્રષ્ટ તત્વો માટે ACB હવે કાળમુખી સાબિત થઈ રહી છે. જૂનાગઢમાં જમીન વિકાસ નિગમ (GLDC) માં ફરજ બજાવી ચૂકેલા બે નિવૃત્ત સરકારી અધિકારીઓએ પોતાની પદ-મર્યાદાનો બેફામ ગેરલાભ ઉઠાવીને કાયદેસરની આવક કરતા અનેકગણી વધુ અપ્રમાણસર સંપત્તિ વસાવી હોવાનો મોટો પર્દાફાશ થયો છે. ACBની આ સચોટ અને ધડાકાભેર કાર્યવાહીથી ભ્રષ્ટ કર્મચારીઓ અને લાંચિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

મળતી માહિતી અનુસાર જમીન વિકાસ નિગમ, જૂનાગઢના તત્કાલીન મદદનીશ નિયામક (વર્ગ-૨) કરમશીભાઇ નથુભાઇ ડોબરીયા (હાલ નિવૃત્ત) દ્વારા તા. ૦૧/૦૪/૨૦૦૬ થી ૨૮/૦૨/૨૦૧૭ દરમિયાનના સમયગાળામાં પોતાની કાયદેસરની આવક કરતાં રૂ. ૧,૭૮,૯૮,૬૦૧/- એટલે કે પૂરા ૭૩.૦૪% જેટલી વધુ મિલકતો વસાવી અને ખર્ચ કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે ધનવાન બનવા માટે આ શખ્સે વિવિધ ગેરકાયદેસર રીતરસમો અપનાવી કાળું નાણું ભેગું કર્યું હતું અને પોતાના તથા આશ્રીતોના નામે મિલકતોમાં રોકાણ કર્યું હતું.

જ્યારે બીજી તરફ, જૂનાગઢ GLDC ના ક્ષેત્ર મદદનીશ (વર્ગ-૩) અને હાલ નિવૃત્ત થયેલ દિનેશભાઇ મુળજીભાઇ કાસુન્દ્રાએ તો ભ્રષ્ટાચારની તમામ હદો વટાવી દીધી છે. તા. ૦૧/૦૪/૨૦૦૬ થી ૩૧/૦૩/૨૦૧૬ દરમિયાનના સમયગાળામાં આ અધિકારીએ પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં આશ્ચર્યજનક રીતે ૨૧૪.૨૫% વધુ એટલે કે રૂ. ૧,૫૯,૭૭,૬૪૧/- ની અપ્રમાણસર સંપત્તિ ખડકી દીધી હતી. પ્રજાના નાણાં પર હાથ સાફ કરનાર આ બાબુ વિરુદ્ધ પણ જૂનાગઢ ACB માં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ભ્રષ્ટ અધિકારીઓની ખેર નથી તે સ્પષ્ટ કરતા, ACB રાજકોટના નાયબ નિયામકશ્રી બી.સી.વાઘેલાના માર્ગદર્શન તથા જૂનાગઢ ACB એકમના મદદનીશ નિયામકશ્રી એમ.પી.સોલંકીના સુપરવિઝન હેઠળ જૂનાગઢ ACB પોલીસ સ્ટેશન ના પીઆઈશ્રી જે.બી. કરમુરે સરકાર તરફથી ફરિયાદી બની આ ગુનાઓ દાખલ કરાવ્યા છે. જ્યારે સદર બંને ચકચારી ગુનાઓની ઊંડાણપૂર્વકની તપાસ ગીર સોમનાથ ACB પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી એ.ડી. વાળા ચલાવી રહ્યા છે.સરકારી ખાતાઓમાં બેસીને પોતાના અંગત સ્વાર્થ માટે લાંચની રકમ ભેગી કરતા અને પ્રજાનું શોષણ કરતા તમામ ભ્રષ્ટ કર્મચારીઓ માટે આ કડક કાર્યવાહી એક સ્પષ્ટ ચેતવણી સમાન છે કે ગમે તેટલા છુપાવવાનો પ્રયાસ કરો, કાયદાની બાજ નજરથી નહીં બચી શકાય. સરકારશ્રીના જુદા જુદા વિભાગોમાં જો કોઈ પણ અધિકારી કે કર્મચારી કાયદેસરની ફી સિવાય ગેરકાયદેસર લાંચની માંગણી કરે, તો તુરંત જાગૃત બની ACB ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ અથવા ફોન નંબર ૦૭૯-૨૨૮૬૬૭૭૨ તેમજ મોબાઇલ નંબર ૯૦૯૯૯ ૧૧૦૫૫ પર સંપર્ક કરવા જાગૃત જનતાને આહવાન કરવામાં આવ્યું છે.