નવી દિલ્હી/આણંદ: લાંચના કેસોમાં આરોપ સાબિત કરવા માટે માત્ર નાણાંની રિકવરી પૂરતી નથી, પરંતુ લાંચની સ્પષ્ટ માગણી સાબિત થવી જરૂરી છે-આ મહત્વપૂર્ણ સિદ્ધાંતને સુપ્રીમ કોર્ટે ફરી એક વખત સ્પષ્ટ કર્યો છે. વર્ષ 1996માં ગુજરાતમાં નોંધાયેલા માત્ર 20 રૂપિયાની કથિત લાંચના કેસમાં લગભગ 30 વર્ષ સુધી ચાલેલી કાનૂની લડાઈનો અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના એક કર્મચારી અને પટાવાળાની દોષસિદ્ધિ રદ કરીને બંનેને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા છે.ન્યાયાધીશ ઉજ્જલ ભુઈયા અને ન્યાયાધીશ અતુલ એસ. ચંદુરકરની ખંડપીઠે ચુકાદામાં નોંધ્યું કે લાંચની માગણી સાબિત થયા વિના માત્ર આરોપી પાસેથી નાણાં મળી આવ્યા હોવાના આધારે દોષસિદ્ધિ કરી શકાય નહીં.
શું હતો સમગ્ર મામલો? ફેબ્રુઆરી 1996માં આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાની બેચરી ગ્રામ પંચાયતમાં એક વિદ્યાર્થી શૈક્ષણિક છૂટછાટ મેળવવા માટે આવકનો દાખલો કઢાવવા ગયો હતો. ફરિયાદ મુજબ, દાખલો આપવા માટે રેવન્યુ અધિકારીએ કુલ 120 રૂપિયાની લાંચ માગી હતી, જેમાં 100 રૂપિયા પોતાના માટે અને 20 રૂપિયા પટાવાળા માટે હોવાનું જણાવાયું હતું.
વિદ્યાર્થીએ આ અંગે ACBનો સંપર્ક કરતાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. પ્રમાણપત્ર મળ્યા બાદ વિદ્યાર્થીએ પટાવાળાને 20 રૂપિયા આપ્યા હતા અને ACBએ આ રકમ રિકવર કરી હતી. જોકે, રેવન્યુ અધિકારી પાસેથી કથિત 100 રૂપિયા મળી આવ્યા નહોતા.કેસની સુનાવણી દરમિયાન વિદ્યાર્થીની ઊલટ તપાસમાં તેણે સ્વીકાર્યું હતું કે પટાવાળાએ પોતાની તરફથી ક્યારેય 20 રૂપિયાની માગણી કરી નહોતી. આ ઉપરાંત, 120 રૂપિયા આપવાની વાત હોવા છતાં વિદ્યાર્થીએ માત્ર 20 રૂપિયા જ કેમ આપ્યા, તે બાબત પણ સ્પષ્ટ થઈ નહોતી.બીજી તરફ, આવકનો દાખલો અગાઉથી જ આપવામાં આવી ચૂક્યો હતો અને બીજા દિવસે ઈદનો તહેવાર હોવાથી રકમ આપવામાં આવી હોવાનો પટાવાળાનો બચાવ પણ કોર્ટ સમક્ષ વિચારણા હેઠળ આવ્યો હતો.
રેવન્યુ અધિકારી સામે કેસ ચલાવવા માટે જરૂરી સક્ષમ સત્તાધિકારીની મંજૂરી અંગે પણ કાનૂની ખામી હોવાનું સામે આવ્યું હતું.આ તમામ પાસાઓને ધ્યાનમાં લેતાં સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટના અગાઉના ચુકાદાઓ રદ કર્યા અને બંને આરોપીઓને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા.આ ચુકાદા સાથે 1996માં શરૂ થયેલી માત્ર 20 રૂપિયાની કથિત લાંચની કાર્યવાહી લગભગ ત્રણ દાયકા બાદ પૂર્ણ થઈ છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનો મુખ્ય સંદેશ એ છે કે લાંચના કેસમાં માત્ર કરન્સી નોટની રિકવરીને જ દોષસિદ્ધિનો આધાર બનાવી શકાય નહીં. ફરિયાદ પક્ષે લાંચની માગણી અને સ્વીકાર અંગે કાયદેસર રીતે વિશ્વસનીય પુરાવા રજૂ કરવા જરૂરી છે.આ ચુકાદો ભવિષ્યમાં લાંચના કેસોની તપાસ અને કોર્ટ કાર્યવાહીમાં પુરાવાની ગુણવત્તા તથા લાંચની વાસ્તવિક માગણી સાબિત કરવાની આવશ્યકતા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શક બની શકે છે. source by a third-party.




