Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કુવૈતી ક્રૂડ ઓઈલ ટેન્કર પર મિસાઈલ હુમલો, ટેન્કરમાં સવાર પાંચ ભારતીયનો આબાદ બચાવ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે અત્યંત વ્યૂહાત્મક ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ જહાજો પર થઈ રહેલા હુમલા અટકવાનું નામ નથી લઈ રહ્યા. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા કુવૈતી ક્રૂડ ઓઈલ ટેન્કર પર મિસાઈલ હુમલો થયો હતો. આ ટેન્કર પર સવાર પાંચ ભારતીય નાગરિકોને ભારતીય મિશન અને ઓમાનના સંયુક્ત પ્રયાસોથી સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરીને કિનારે લાવવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, કુવૈતનો ધ્વજ ધરાવતું અને ક્રૂડ ઓઈલ લઈને ટોગોના લોમે બંદર તરફ જઈ રહેલું ટેન્કર ‘MT કાઝીમા-3’ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યું હતું.

ત્યારે તેના પર મિસાઈલ વડે હુમલો કરાયો હતો. હુમલાના કારણે ટેન્કરને નુકસાન પહોંચ્યું હતું, જોકે જહાજ પર સવાર તમામ પાંચેય ભારતીયોને આબાદ બચાવી લેવાયા છે. ઓમાનની રાજધાની મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટમાં હુમલાનો ભોગ બનેલા કુવૈતી ટેન્કર પરના પાંચેય ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને શનિવારે કિનારે લાવવામાં આવ્યા છે. ભારતીય મિશને આ બચાવ કામગીરીમાં મહત્વપૂર્ણ સહયોગ આપવા બદલ ઓમાનનો આભાર માન્યો હતો.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તાજેતરમાં મીડિયા બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, ‘આ વિસ્તારમાં કાર્યરત વ્યાપારી જહાજોમાં 4,500થી વધુ ભારતીય ખલાસીઓ સેવા આપી રહ્યા છે. જેમાંથી 12 સક્રિય કાર્ગો જહાજોમાં 163 ભારતીય ખલાસીઓ તહેનાત છે. આ 12 જહાજો પૈકી 6 ભારતીય ધ્વજવાળા અને 6 વિદેશી ધ્વજવાળા જહાજો છે જે ભારત માટે માલસામાનનું પરિવહન કરી રહ્યા છે. પર્શિયન ગલ્ફ અને દરિયાઈ માર્ગો પર વધતા સુરક્ષા જોખમો વચ્ચે ભારત સરકાર પોતાના તમામ નાગરિકો અને ખલાસીઓની સુરક્ષા પર સતત નજર રાખી રહી છે.'(સૌજન્ય)