મધ્યપ્રદેશનાં ધાર જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બદનાવરમાં લેબડ-નયાગામ ફોરલેન પર સ્થિત પીટગારા ચોકડી પર પૂરઝડપે આવતા ટ્રકે બાઈક સવારોને અડફેટે લીધા હતા. આ ભીષણ અકસ્માતમાં ત્રણ લોકોનાં કરૂણ મોત નીપજયાં હતા, જ્યારે એક નાની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અકસ્માતમાં બાઈક સવાર પતિ-પત્ની અને તેમની ૧૪ વર્ષની દીકરીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે ૧૨ વર્ષની બીજી દીકરી ગંભીર રીતે ઘવાયી હતી. ટક્કર બાદ ટ્રક બાઈકને લગભગ 50 મીટર સુધી ઢસડી ગયું હતું. ત્યારબાદ બાઈક ટ્રકથી અલગ થઈ ગઈ હતી અને ટ્રક ચાલક વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. મૃતકોની ઓળખ રાહુલ પિતા નિર્ભય સિંહ ભાટી, તેમની પત્ની પૂજા અને દીકરી સુમન તરીકે થઈ છે.
અકસ્માતમાં તેમની નાની દીકરી શિવાની ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને તાત્કાલિક બદનાવરની સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને રતલામ રિફર કરવામાં આવી છે. અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્રણ લોકોના મોત અને બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હોવાની માહિતી મળતાં સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ SDM, SDOP, અને તહસીલદાર પોલીસ કાફલા સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. અકસ્માત સર્જીને ફરાર થયેલ ટ્રક ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી હતી.(સૌજન્ય)




