Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કેલિફોર્નિયાનાં સેક્રામેટો શહેરમાં ભારતીય મૂળની મહિલાની ગોળી મારીને હત્યા કરાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમેરિકાનાં કેલિફોર્નિયા રાજ્યના સેક્રામેટો શહેરમાં એક અત્યંત ચોંકાવનારી અને દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં એક શોપિંગ સેન્ટરમાં રેસ્ટોરન્ટ બહાર ભારતીય મૂળની ૩૮ વર્ષીય મહિલા શાલિની ઠાકુરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હત્યાકાંડ પાછળ ભારતનો જ ૨૨ વર્ષીય યુવક રોહિત હોવાનું ખૂલ્યું છે, જે છેલ્લા કેટલાક મહિનાઓથી મહિલાનો પીછો કરી તેને સતત હેરાન કરી રહ્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ પણ જાતે જ ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના જણાવ્યા અનુસાર, આરોપી રોહિત જાન્યુઆરીથી જ શાલિની ઠાકુરનો પીછો કરી રહ્યો હતો.

આ દરમિયાન તેણે શાલિનીની કારની નીચે એપલ એરટેગ લગાવી દીધું હતું, કારના ટાયરની હવા કાઢી નાખી હતી અને તે નોકરી પર જાય ત્યારે તેનો પીછો કરીને મદદ કરવાનું નાટક કરતો હતો. સેક્રામેટો કાઉન્ટી શરિફ ઓફિસના જણાવ્યા મુજબ, હદ તો ત્યારે થઈ જ્યારે આરોપીએ શાલિનીના અપાર્ટમેન્ટની ડુપ્લીકેટ ચાવી બનાવી હતી અને તે સૂતી હતી ત્યારે ઘરમાં ગેરકાયદે ઘૂસણખોરી પણ કરી હતી. તારીખ ૮મી સપ્ટેમ્બરે જ્યારે શાલિની ઠાકુર પોતાની કાર પાસે પહોંચી ત્યારે આરોપી રોહિત ત્યાં આવી પહોંચ્યો હતો. શાલિનીએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતા રોહિતે તેનો પીછો કર્યો હતો અને પિસ્તોલ કાઢીને તેના પર ઉપરાઉપરી ગોળીઓ ચલાવી હતી.

શાલિની જમીન પર પડી ગયા બાદ પણ આરોપીએ નજીક જઈને તેના માથામાં ગોળી મારી દીધી હતી અને બાદમાં પોતાની કાર લઈને નાસી છૂટયો હતો. સેક્રામેટો કાઉન્ટી કોરોનર ઓફિસના જણાવ્યા અનુસાર, પોલીસે જ્યારે આરોપીની કારને રોકવાનો પ્રયાસ કર્યો અને તેને બહાર આવવા કહ્યું, ત્યારે તપાસમાં જાણ થઈ કે આરોપી રોહિત કારની અંદર જ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી ચૂક્યો છે. વધુમાં મૃતક રોહિત ભારતનો એક ગેરકાયદેસર ઇમિગ્રન્ટ હતો, જે ૨૦૨૩માં એરિઝોના સરહદેથી અમેરિકામાં પ્રવેશ્યો હતો. આ મામલે યુએસ ઓથોરિટીઝ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.(સૌજન્ય)