હાલ તહેવારોની સીઝન આવી રહી છે ત્યારે હવામાનની અનિયમિતતાને કારણે કૃષિ ઉત્પાદનો પર માઠી અસર થઈ છે અને તેની સીધી અસર હવે સામાન્ય લોકોના રસોડામાં પર જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ દુષ્કાળ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની અસમાન પરિસ્થિતિને કારણે અનાજ અને કઠોળના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જેના પરિણામે વાશી એપીએમસીના જથ્થાબંધ બજારમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં કઠોળના ભાવ પ્રતિ કિલો રૂપિયા ૧૦થી રૂપિયા ૨૦ સુધી વધ્યા છે. જ્યારે છૂટક બજારમાં કઠોળના ભાવમાં પ્રતિ કિલો રૂપિયા ૨૦થી રૂપિયા ૩૦નો વધારો થયો છે. વિગત મુજબ, વાશી કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના જથ્થાબંધ બજારમાં અનાજ અને કઠોળની આવકમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો હોવાનું કહેવાય છે.
આ વર્ષે ઓછો વરસાદ, વધતી ગરમી અને દુષ્કાળની સ્થિતિને કારણે અનાજ અને કઠોળના પાકના ઉત્પાદન તથા પુરવઠા પર અસર પડી છે. આ પરિસ્થિતિમાં બજારમાં કઠોળની ઉપલબ્ધતા ઘટતાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જથ્થાબંધ બજારમાં ચણાની દાળનો ભાવ અગાઉ પ્રતિ કિલો રૂપિયા ૭૨ હતો. જે હવે વધીને રૂપિયા ૮૨ થઈ ગયો છે. તો તુવેરની દાળનો ભાવ રૂપિયા ૯૦થી વધીને હવે રૂપિયા ૧૦૫ તથા મગની દાળનો ભાવ રૂપિયા ૯૫ થી વધીને હવે રૂપિયા ૧૦૫ પ્રતિ કિલો થયો છે.
આમ, દૈનિક ભોજનમાં ઉપયોગમાં લેવાતી આ ત્રણેય દાળો મોંઘી થતાં સામાન્ય પરિવારોના માસિક બજેટ પર વધારાનો બોજ પડવાની શક્યતા છે. દરમિયાન જથ્થાબંધ બજારમાં ભાવ વધારાની છૂટક બજારમાં પણ અસર જોવા મળી રહી છે. અહીં ચણાની દાળનો ભાવ પ્રતિ કિલો રૂપિયા ૧૧૦થી વધીને રૂપિયા ૧૩૦ અને તુવેરની દાળનો ભાવ રૂપિયા ૧૨૦થી વધીને રૂપિયા ૧૫૦ થયો છે. મગની દાળનો છૂટક ભાવ પ્રતિ કિલો રૂપિયા ૧૪૦ નોંધાયો છે. જથ્થાબંધ બજારમાં થયેલો ભાવવધારો છૂટક વેપાર સુધી પહોંચતાં ગ્રાહકોએ હવે દાળની ખરીદી માટે વધુ નાણાં ખર્ચવા પડી રહ્યા છે. તહેવારોની સીઝનમાં દાળો અને તેમાંથી બનતી વાનગીઓની માંગ વધતી હોય છે. બીજી તરફ, કઠોળની પુરવઠામાં ઘટાડો અને પરિવહન ખર્ચમાં વધારો પણ ભાવ પર અસર કરી રહ્યા છે. જો માંગ વધે અને બજારમાં કઠોળની આવક મર્યાદિત રહે તો ભાવ પર વધુ દબાણ આવવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ગ્રાહકોએ ખરીદી કરતાં પહેલાં સ્થાનિક બજારના ભાવની સરખામણી કરવી જરૃરી બનશે.(સૌજન્ય)




