સાઉદી અરેબિયાની રાજધાની રિયાદ સ્થિત અત્યંત સુરક્ષિત ગણાતા કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ઈરાન સમર્થિત હુથી બળવાખોરોઓએ એક પછી એક ભયાનક મિસાઈલ અને ડ્રોન હુમલા કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી દીધો હતો. માત્ર એક જ સપ્તાહમાં આ એરપોર્ટ પર ત્રીજી વખત મોટો હુમલો થતાં સાઉદી સલ્તનતમાં ફફડાટ વ્યાપી ગયો છે અને એરપોર્ટનું સંચાલન તાત્કાલિક ધોરણે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગતરોજ બપોરે થયેલ આ ઘાતક હુમલાને કારણે એરપોર્ટના વ્યસ્ત ટર્મિનલ-3 અને ટર્મિનલ-4ને સીધું નિશાન બનાવવામાં આવ્યું હતું.
ધડાકાના ભયાનક અવાજો સાથે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં ટર્મિનલની અંદર કાટમાળ, વિખરાયેલી ધૂળ અને ભયના માર્યા મુસાફરો ભાગદોડ કરતા નજરે પડી રહ્યા છે. આ અતિ-ગંભીર હુમલામાં અત્યાર સુધીમાં 12 નિર્દોષ લોકોના કાળમુખા મોત નીપજ્યા છે, જ્યારે 309 થી વધુ નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સાઉદી સિવિલ એવિએશન ઓથોરિટીના સત્તાવાર આંકડા મુજબ, આ લોહીયાળ હુમલામાં ભોગ બનેલાઓમાં 4 સાઉદી નાગરિકો, બાંગ્લાદેશના 2 નાગરિકો ઉપરાંત અમેરિકા, જોર્ડન, પેલેસ્ટાઈન, સીરિયા, સુદાન અને ઇજિપ્તના એક-એક નાગરિકનો સમાવેશ થાય છે.
આ ભયાનક સ્થિતિને જોતા રિયાદ સ્થિત અમેરિકી દૂતાવાસે તાત્કાલિક ધોરણે સુરક્ષા ચેતવણી જાહેર કરી દીધી છે અને અમેરિકન નાગરિકોને એરપોર્ટ તથા તેની આસપાસના વિસ્તારોથી દૂર રહેવાની કડક સૂચના આપી છે. સતત હુમલાઓના કારણે સાઉદી એરસ્પેસ પર ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે. ફ્લાઈટ ટ્રેકિંગ સર્વિસ ‘ફ્લાઈટ રડાર-24’ના ડેટા મુજબ, એરપોર્ટ પરથી તમામ ફ્લાઈટ્સનું ટેક-ઓફ અને લેન્ડિંગ રોકી દેવામાં આવ્યું છે. રિયાદ આવતી અનેક આંતરરાષ્ટ્રીય ઉડાનોને અન્ય એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે અથવા તો વિમાનોને પરત મોકલી દેવાયા છે. આ હુમલો સાઉદી અરેબિયાના તેલ માર્ગો અને સુરક્ષા વ્યવસ્થાને ચોતરફથી ચોક કરવાના હુથીઓના ષડયંત્રનો જ એક ભાગ હોવાનું મનાઈ રહ્યું છે, જેના કારણે મિડલ ઈસ્ટમાં ફરી એકવાર ત્રીજા વિશ્વયુદ્ધ જેવા તણાવના વાદળો ઘેરાયા છે.(સૌજન્ય)




