મિડલ ઈસ્ટના સંઘર્ષની અસર ભારત પર પણ પડી શકે છે. ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ એટલે કે, IMF એ ચેતવણી આપી છે કે, જો ઇંધણની કિંમતો લાંબા સમય સુધી ઊંચી રહેશે, તો ભારતમાં મોંઘવારીનું દબાણ વધી શકે છે. રિપોર્ટ અનુસાર, ક્રૂડ ઓઈલની સરખામણીએ ડીઝલ અને જેટ ફ્યુઅલના ભાવમાં વધુ ઝડપી વધારો થયો છે. IMFના ઓક્ટોબર 2026ના ‘એશિયા-પેસિફિક રિજનલ ઈકોનોમિક રિપોર્ટ’ અનુસાર, ભારતે આ સંકટ વચ્ચે ખૂબ જ સમજૂતીપૂર્વક કામ લીધું છે. મધ્ય પૂર્વના તણાવ છતાં ભારતે વિશ્વના અન્ય ભાગોમાંથી કાચું તેલ ખરીદીને પોતાના પુરવઠાને પ્રભાવિત થવા દીધો નથી. જૂન સુધીમાં દેશમાં તેલનો પુરવઠો સંઘર્ષ પહેલાના સ્તરે આવી ગયો હતો.
પરંતુ IMFનું માનવું છે કે, માત્ર નવા સ્ત્રોતોમાંથી તેલ ખરીદવું પૂરતું નથી, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં જો કિંમતો વધશે તો ભારતીય અર્થતંત્ર પર દબાણ આવવાનું નક્કી છે. રિપોર્ટમાં એક મોટો ખુલાસો એ થયો છે કે, ક્રૂડ ઓઇલની સરખામણીએ રિફાઇન્ડ પ્રોડક્ટ્સ જેવી કે ડીઝલ અને જેટ ફ્યુઅલના ભાવ વધુ ઝડપથી વધ્યા છે. જો ડીઝલ મોંઘું થશે તો ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન અને માલસામાનની હેરફેરનો ખર્ચ વધી જશે. તેની સીધી અસર શાકભાજી, અનાજ-રાશન અને રોજિંદા જીવનજરૂરી સામાનની કિંમતો પર પડશે, જેનાથી સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ શકે છે. ઓઇલની કિંમતો વધવાથી માત્ર જનતા પર જ નહીં, પરંતુ સરકારી તિજોરી પર પણ નકારાત્મક અસર પડશે.
IMFએ સૂચન કર્યું છે કે, સરકારોએ દરેક માટે ઈંધણ સસ્તું કરવા કે સબસિડી આપવાને બદલે માત્ર જરૂરિયાતમંદ અને નબળા વર્ગો માટે જ રાહત યોજનાઓ ચલાવવી જોઈએ, જેથી દેશના અર્થતંત્રનું સંતુલન ન બગડે. આ તમામ પડકારો છતાં રાહતના સમાચાર એ છે કે, ભારતીય અર્થતંત્રનો પાયો મજબૂત છે. IMFના અંદાજ મુજબ, સુધરેલી સ્થાનિક માંગ અને સર્વિસ સેક્ટરના ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે વર્ષ 2026માં ભારતનો આર્થિક વિકાસ દર એટલે કે, GDP 7 ટકા રહેવાની ધારણા છે. જોકે, આ ઝડપ જાળવી રાખવા માટે ભારતે ઊર્જા સુરક્ષા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ રોકાણ કરવું પડશે.(સૌજન્ય)




