વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાના ૬૦મા વર્ષમાં પ્રવેશના અનુસંધાને વિવિધ કાર્યક્રમો/પ્રવૃત્તિઓ અંતર્ગત મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગ અને જનજાતિ કલ્યાણ આશ્રમ-ગુજરાતના સહયોગથી ‘પેસા: પંચાયત અનુસૂચિત ક્ષેત્ર વિસ્તાર અધિનિયમ-૧૯૯૬ અને વન અધિકાર અધિનિયમ:૨૦૦૬’ અંતર્ગત સામુદાયિક વન અધિકારની જોગવાઈઓ અને તેનું અમલીકરણ” વિષય પર બે દિવસીય વર્કશોપ યોજાયો હતો. આ પ્રસંગે યુનિ.ના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ વિષય આનુષંગિક પ્રવૃત્તિઓ અને સંશોધનો થાય તે અંગે ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ યુવાકાર્ય પ્રમુખએ ભારતના જનજાતિય સમાજની ઐતિહાસિક, સાંસ્કૃતિક તેમજ સામાજિક ઓળખ અંગે તમામ સહભાગીઓને અવગત કર્યા હતા. વક્તાએ બ્રિટિશ નીતિના પરિણામ તેમજ ભારતના બંધારણ અને કાનૂની પ્રાવધાન વિશે માર્ગદર્શન આપ્યું હતું. ડો.રાહુલ મુંગીકરે જનજાતિય સમાજની પરંપરાગત જ્ઞાન પદ્ધતિ અને કાનૂની અધિકાર, જૈવ વૈવિધ્ય કાનૂન-૨૦૨૨ અને વિમલભાઈ શાહે આદિજાતિ સમુદાયની પરંપરાઓ અને પેસા-૧૯૯૬ કાનૂનના અધિકારો વિશે વિગતે માહિતગાર કર્યા હતા. કાર્યશાળાના બીજા દિવસે પ્રાકૃતિક સંસાધનોનું પરંપરાગત સંવર્ધન તેમજ કાનૂની અધિકાર, વન અધિકાર કાનૂન-૨૦૦૬ અને સામુદાયિક વન સંસાધનોના અધિકાર વિશે માહિતી આપી ગામના પરંપરાગત તેમજ સાંસ્કૃતિક નકશાઓ તૈયાર કરવા અંગેની સૈદ્ધાંતિક અને વ્યવહારિક સમજ પૂરી પાડી હતી. કુલ ૧૮૦ જેટલા સહભાગીઓએ માર્ગદર્શન મેળવ્યું હતું.
મહાત્મા ગાંધીગ્રામ અભ્યાસ વિભાગના કાર્યકારી અધ્યક્ષ ડો.દીપક ભોયેએ જણાવ્યુ કે, બે દિવસીય કાર્યશાળા બાદ પેસા કાનૂન-૧૯૯૬ અને સામુદાયિક વન અધિકારનો અમલ ઝડપથી થાય તે માટે નર્મદ યુનિ. અને જનજાતીય કલ્યાણ આશ્રમ-ગુજરાત વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર (એમઓયુ) કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે પેસા એક્ટ અને વન અધિકારો વિશે લોકજાગૃતિ આવે, સંશોધન હાથ ધરાય એ માટે ગ્રામ અભ્યાસ વિદ્યાશાખામાં જરૂરી અભ્યાસક્રમમાં પેસા એક્ટ, વન અધિકાર, જૈવવૈવિધ્ય કાયદાના વિષયો દાખલ કરી યુવા વિદ્યાર્થીઓને જાગૃત કરવાની ભાવના વ્યક્ત કરી હતી.



