વ્યારાનાં બેડકુવાનજીક ગામની સીમમાં આવેલ સમર્પણ રાઈસ મીલના ગેટની સામે વ્યારા ખેરવાડા રોડ ઉપર ડમ્પર અડફેટે આવતાં બાઈક સવાર શખ્સનું ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારાનાં બેડકુવાનજીક ગામની સીમમાં આવેલ સમર્પણ રાઈસ મીલના ગેટની સામે વ્યારા ખેરવાડા રોડ ઉપર એક અશોક લેલન્ડ કંપનીનાં ડમ્પર નંબર જીજે/૨૧/ડબ્લ્યુ/૭૮૦૩નો ચાલક પોતાના કબ્જાનુ ડમ્પર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રહ્યો હતો.
તે સમયે સંદિપભાઇ અરવિંદભાઇ ગામીત (ઉ.વ.૩૯., રહે.ઝાંખરી ગામ, નિશાળ ફળિયું, વ્યારા)એ પોતાના કબ્જાની બાઈક નંબર જીજે/૨૬/જે/૨૪૯૧ને સામેથી અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં સંદિપભાઈને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમજ સંદિપભાઇનાં બંને હાથમાં ફેક્ચર થતાં પહેલા જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે સારવાર માટે લઈ ગયા હતા ત્યારબાદ વધુ સારવાર માટે નવી સીવીલ હોસ્પિટલ સુરત શહેર ખાતે લઈ જતા ત્યાં તારીખ ૦૭/૦૬/૨૦૨૫ નાંરોજ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે મનિષભાઈ ગામીતએ તારીખ ૦૮/૦૬/૨૦૨૫ નાંરોજ કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
