સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસ ટીમે સાયણ ટાઉનમાંથી માનવ જિંદગી સાથે ચેડા કરતાં પશ્ચિમ બંગાળનો ડિગ્રી વિના દવાખાનું ચલાવતા બોગસ તબીબને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પોલીસ સુત્રોની માહિતી મુજબ, તારીખ ૧૯ નારોજ સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસ ટીમ ઓલપાડ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ કરી રહી હતી. 
તે સમયે સંયુક્ત બાતમી મળી હતી કે, સાયણ ટાઉનમાં રાંદલ માતા મંદિર પાછળ આવેલ મેધધનુષ રેસીડન્સી સામેની સાંઇવિલા રેસીડેન્સીની દુકાન નં.૫માં ‘અરના કિલનીક’નાં નામથી એક ઈસમ ડિગ્રી વિના દવાખાનું ચલાવે છે અને આ શખ્સ માનવ જીંદગી સાથે ચેડા કરી રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસે છાપો મારી ઉત્તમ તરૂણકુમાર બિશ્વાસ (હાલ રહે.એ-૨,મેઘધનુષ એપાર્ટમેન્ટ, રૂમ નં.૧૦૨, રાંદલ માતાના મંદિર પાસે)ને ઝડપી લીધો હતો. આમ, પોલીસે ઝડપાયેલ શખ્સ ઉત્તમ બિશ્વાસની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, પોતે ધોરણ-૧૨ સાયન્સ સુધી ભણેલો છે અને પશ્ચિમ બંગાળ ખાતેની એક હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે ચાર વર્ષ સુધી કરેલા કામના અનુભવના આધારે છેલ્લા સાત માસથી સાયણમાં દવાખાનું ચલાવે છે. જ્યાારે મારી પાસે કોઇપણ પ્રકારનું મેડિકલ રજીસ્ટ્રેશન સર્ટી.કે પ્રમાણપત્ર નથી. જેથી પોલીસે તેની કિલનિકમાંથી અલગ-અલગ પ્રકારના મેડીકલ સાધનો, દવાઓ મળી કુલ રૂપિયા ૫,૦૭૯/-ની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે ઝડપેલ આરોપી વિરૂદ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ અર્થે ઓલપાડ પોલીસને હવાલે કર્યો હતો.



